(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યું કે, લદ્દાખમાં ભારતીય સૈનિકોને શહાદત વહોરવા હથિયારો વિના કેમ મોકલવામાં આવ્યું હતું અને ચીનની હિંમત કેવી રીતે થઈ કે એ એમની હત્યા કરે, એમણે એક દિવસ પહેલાં રક્ષામંત્રીને પૂછ્યું હતું કે, એમણે પોતાના ટિ્‌વટમાં ચીનના નામનું ઉલ્લેખ કેમ કર્યું ન હતું અને એમણે ૨૦ સૈનિકોનાં મોત બદલ બે દિવસ પછી શ્રદ્ધાંજલિ કેમ આપી હતી ?
ગાંધીએ ટ્‌વીટર ઉપર એક પૂર્વ સૈનિક અધિકારીનો ઈન્ટરવ્યૂ પણ મૂક્યો હતો જેમણે ભારત-ચીનના સીમાના એ સ્થળે ફરજ બજાવી હતી જ્યાં હાલમાં સંઘર્ષ થયું હતું.
રાહુલ ગાંધી સરકારને ભારતીય સૈનિકોની શહાદત માટે પ્રશ્નો પૂછી રહ્યા હતા અને એમણે વડાપ્રધાન પાસેથી જવાબ માંગ્યું હતું. બુધવારે એમણે રાજનાથસિંઘને પ્રશ્ન કર્યું હતું કે, પોતાના ટિ્‌વટમાં ચીનનો ઉલ્લેખ નહીં કરી ભારતીય સેનાનું અપમાન કેમ કર્યું હતું ?
“આ ખૂબ જ દુઃખદ હતું, તમારા ટિ્‌વટમાં ચીનનો ઉલ્લેખ નહીં કરી સેનાનું અપમાન કેમ ? શ્રદ્ધાંજલિ આપવામાં બે દિવસ કેમ લીધા ? સૈનિકો શહીદ થઈ રહ્યા છે એવામાં રેલીઓ કેમ સંબોધો છો ?
ગુરૂવારે એમણે વધુમાં લખ્યું હતું, “ચીને અમારા નિઃશસ્ત્ર સૈનિકોની હત્યા કરવાની હિંમત જ કેવી રીતે કરી ? સૈનિકોને શહાદત વહોરવા નિઃશસ્ત્ર કેમ મોકલવામાં આવ્યા ?
સોમવારે રાત્રે પૂર્વ લદ્દાખના ગલવાનમાં ચીન સાથેના સંઘર્ષમાં એક કર્નલ સાથે ભારતીય સેનાના ૨૧ સૈનિકો માર્યા ગયા હતા. છેલ્લા પાંચ દાયકા પછી આ મોટો સંઘર્ષ ભારત ચીન વચ્ચે થયો હતો. આ પહેલાં ચીન સાથે ૧૯૬૭માં નાથુલા પાસે સંઘર્ષ થયું હતું જેમાં ભારતના ૮૦ સૈનિકો માર્યા ગયા હતા અને ચીનના ૩૦૦ સૈનિકો માર્યા ગયા હતા.