(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ચીનના હેકરો ભારતીય યુઝર્સના વોટ્‌સએપ એકાઉન્ટ હેક કરી રહ્યા છે. ભારતીય સેનાએ ચીનના હેકર્સોની કરતૂતોને ઉજાગર કરતો એક વીડિયો જાહેર કર્યો છે. સેનાએ લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ સોશિયલ મેસેન્જર એપનો સાવધાની અને સુરક્ષિત રીતે ઉપયોગ કરે. આશરે ચાર મહિના પહેલાં સેનાએ લાઈન ઓફ એક્યૂલ કંટ્રોલ (એલએસી) પર તૈનાત જવાનોને વોટ્‌સએપ સહિત ઘણી ખતરનાક એપના ઉપયોગ કરવાને લઈ ચેતવણી આપી હતી. ભારતીય સેનાએ આધિકારિક ટ્‌વીટ હેન્ડલ એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ પબ્લિક ઈન્ટફેસ (એડીજીપીઆઈ)થી કરેલ ટ્‌વીટમાં સોશિયલ મીડિયા યુઝર્સને હેકિંગના ખતરા બતાવ્યા હતા. આ ટ્‌વીટમાં રક્ષા મંત્રાલયને પણ ટેગ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ ટ્‌વીટ કરતાં કહ્યું કે સાવચેત રહો, સાવધાન રહો, સલામત રહો. એડીજીપીઆઈએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચીન બધાની ડિજિટલ દુનિયામાં ઘૂસણખોરી કરી રહ્યું છે. જે માટે તે ઘણા એપ્સનો ઉપયોગ કરી રહ્યો છે. વોટ્‌સએપ ગ્રુપમાં તમારા સિસ્ટમમાં ઘૂસવા માટે હેકિંગ તેમનું એક નવું હથિયાર છે. ૮૬થી શરૂ થયેલા ચીની નંબર તમારા ગ્રુપમાં ઘૂસણખોરી કરી તમામ ડેટાની ચોરી શરૂ કરી દે છે. સેનાએ સૌને સાવચેત રહેવાની સલાહ આપી છે અને અપીલ કરતાં કહ્યું છે કે, પોતાના ગ્રુપની નિયમિત રૂપે તપાસ કરતાં રહે કે ૮૬ નંબરની શરૂ થનાર નંબર ગ્રુપમાં છે કે નહીં. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે સિમકાર્ડ ચેન્જ કરો છો તો તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરો. વોટ્‌સએપ ગ્રુપની ચોરાયેલી માહિતી ચીન પાસે પહોંચી રહી છે.