(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હથિયારો વિનાનો સંઘર્ષ કેટલાક ક્લોકો સુધી ચાલુ રહ્યો હતો અને મધ્ય રાત્રીએ બંને સૈન્યો છુટા થયા હતા. બિહાર-૧૬ રેજીમેન્ટના કમાન્ડીંગ ઓફિસર કર્નલ બી.સંતોષ બાબુ અને એમના બે સાથીઓ ઉપર ઓચિંતો હુમલો કરી નીચે પાડી દેવાયું અને લોખંડના સળિયા અને મોટા પથ્થરોથી ચીની સૈનિકોના હુમલાથી તેઓ શહીદ થયા જો કે ભારતીય સેનાએ પણ વળતો ભારે હુમલો કર્યો હતો.
તેલંગાણાના સુર્યાપેટથી સંબંધ ધરાવતા કર્નલ સંતોષ બાબુ હૈદરાબાદની સૈનિક સ્કૂલમાં ભણ્યાં હતા. એક વર્ષથી એમની નિમણૂક લદ્દાખમાં કરાઈ હતી. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ બંને દેશોની સેના વચ્ચે હિંસક ઝડપ ગલવાન ખીણમાં થઇ હતી. બંને દેશના સૈનિકો ગઈકાલ સવારથી અથડામણમાં ઉતર્યા હતા. ભારતીય સેના સવારથી રાહ જોઈ રહી હતી કે જે મુજબ ૬ જૂને વાતચીત થઇ હતી એ મુજબ ચીનના સૈનિકો ગલવાન ખીણથી ૫ કિલોમીટર દૂર ગયા છે કે નહિ. આ અંગેની મીટિંગ બંને દેશના કમાન્ડરો વચ્ચે ચુશુલ પાસે થઇ હતી.
એક તબક્કે ચીનના સૈનિકો પાછા જવા તૈયાર થયા હતા પણ તેઓ ઓચિંતે જ પાછા ફર્યા અને અમારા સૈનિકો પર હુમલો કર્યો. બિહાર-૧૬ રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બી. સંતોષ બાબુ અને એમના બે સાથીઓ નીચે પડી ગયા હતા. શરૂઆતમાં બંને દેશના સૈનિકો એક બીજાને ધક્કાઓ મારી ગાળાગાળી કરી રહ્યા હતા. પણ એવામાં પરિસ્થિતિ બગડી અને ચીનના સૈનિકો લોખંડની પાઈપો લઇ આવ્યા જેથી ખ્યાલ આવે છે કે તેઓ પૂર્વ તૈયારી સાથે આવ્યા હતા. તેઓએ હુમલો કર્યા અને ભારતીય સૈનિકોએ પણ વળતા પ્રહારો કર્યા. આ હિંસક અથડામણ અમુક કલાકો સુધી ચાલી હતી. વરિષ્ઠ અધિકારીઓ દોડી આવતા મામલો થાળે પડ્યું હતું. વહેલી પરોઢે પુષ્ટિ થઇ કે કર્નલ અને બે સૈનિકોને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેઓ શહીદ થયા હતા. પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે અને હવે જોવાનું એ છે કે શાંતિ થાય છે સંઘર્ષ વધે છે. જો કે સરહદ પર સંઘર્ષ દરમિયાન પથ્થરો જ હાથવગું હથિયાર છે. લોખંડના સળિયા સાથે હિંસક હુમલો પહેલી વખત કરાયો છે જે અપેક્ષિત ન હતું. કોઈપણ ઉશ્કેરણી વિના ચીન દ્વારા કરાયેલ આ કૃત્યથી બંને દેશોના સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.