(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સોમવારની રાત્રે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકોએ ભારતીય સૈયના ૧૨૦ જવાનોને એટલે કે આખી એક કંપનીને ચારેબાજુએથી ઘેરી લીધી હતી અને ત્યારબાદ તેઓ ઉપર હુમલો કર્યો હતો, હિંસા કરી હતી અને કેટલાંક જવાનોની લાશને તો ક્ષત-વિક્ષત એટલે કે વિકૃત કરી નાંખી હતી.
ભારતીય જવાનોના લમણે બંદૂક મૂકીને ચીનના સૈનિકોએ તેઓ ઉપર મોત થઇ જાય ત્યાં સુધીનો શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો એમ કહેતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે ભારતીય સૈનિકો તદ્દન નિઃસહાય હતા કેમ કે તેમને હથિયાર નહીં ઉપાડવાનો ભારત સરકારનો આદેશ હતો. આ કોઇ ઝપાઝપી નહોતી. આઇએએનએસ સમાચાર સંસ્થાને તો એવું પણ જાણવા મળ્યું હતું કે ચીનના સૈનિકોએ ભારતીય જવાનો સામે તમામ પ્રકારના આધુનિક અને ઓટોમેટિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. જો કે ભારતીય જવાનોએ બહાદૂરીપૂર્વક તેઓનો સામનો કર્યો હતો અને સ્થિતિને અંકુશમાં રાખી હતી.
સૂત્રોએ કહ્યું હતું કે પૂર્વ લદ્દાખમાં આવેલી વાસ્તવિક કુશ રેખા ઉપર ૧૪ નંબરના પેટ્રોલિંગ પોઇન્ટ પાસે પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ જ્યારે ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો ત્યારે ભારતીય જવાનોની સંખ્યા ૧.૫ ગણી ઓછી હતી. બંને દેશોના સૈનિકો વચ્ચે સોમવારની રાત્રે થયેલી હિંસક અથડામણની ઘટના સાથે નજીકથી સંકળાયેલા સરકારી સૂત્રોએ કહ્યું હતું કે ચીનના સૈનિકોએ ભારતીય જવાનો ઉપર ખૂબ જ હિંસક બનીને હુમલો કર્યો હતો.
એવું પણ કહેવાય છે કે ચીનના સૈન્યએ હુમલો કરતાં પહેલાં ભારતીય જવાનો ક્યાં ક્યાં તૈનાત છે તેની માહિતી મેળવવા થર્મલ કેમેરા ધરાવતા ડ્રોન વિમાનનો પણ ઉપયોગ કર્યો હતો. તે ખરેખર ખૂબ જ ઘાતક હુમલો હતો એમ સૂત્રોએ કહ્યું હતું. છથી સાત કલાક ચાલેલી આ હિંસક અથડામણમાં ભાગ લેનાર એક લશ્કરી અધિકારીએ એકરાર કર્યો હતો કે અમારા સૈનિકોની સંખ્યા ઘણી ઓછી હતી. ભારતીય લશ્કરના કર્નલ એ ચકાસવા ગયા હતા કે ચીનના સૈનિકોએ તેમના તંબુ ઉખાડી લીધા છે કે નહીં, કેમ કે ચીનના લશ્કરી અધિકારીઓએ તંબુ ઉખાડી લેવાનું વચન આપ્યું હતું. સંતોષ બાબુ જ્યારે ચકાસવા ગયા ત્યારે ચીનના સૈનિકોએ તેમને અને તેમની સાથેના સૈનિકોને ઘેરી લીધા હતા અને તેમની ઉપર ખૂબ જ ઘાતક અને હિંસક હુમલો કર્યો હતો એમ સૂત્રોએ કહ્યું હતું.