(એજન્સી) દુબઈ, તા.૩૧
ભારતે ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં ૩જી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ૧૩૭ રનથી હરાવ્યું હતું. આ કારણે આઈસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પોતાના ટોપના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. જ્યારે ન્યૂઝીલેન્ડ ચોથી સીરિઝ જીતવા પર સાઉથ આફ્રિકાને પાછળ રાખી ત્રીજા સ્થાન પર પહોંચ્યું છે.
ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાર મેચની સીરિઝમાં ૨-૧થી લીડ મેળવી છે. હવે તેના અંક ૧૧૬ થયાં છે જ્યારે ૧૦૮ અંક સાથે ઈંગ્લેન્ડ બીજા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડે ક્રાઈસ્ટચર્ચમાં શ્રીલંકાને બીજી ટેસ્ટ મેચમાં ૪૨૩ રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. જેથી તેના અંક ૧૦૭ થયાં છે. જ્યારે સાઉથ આફ્રિકા ૧૦૬ અંક સાથે ચોથા સ્થાન પર છે.
જો ન્યૂઝીલેન્ડ બંને ટેસ્ટ જીતી ગયું હોત તો તેના ૧૦૯ અંક થયા હોત અને તે બીજા સ્થાન પર આવ્યું હોત. સાઉથ આફ્રિકા પાસે હજુ પણ બીજા સ્થાન પર પહોંચવાની તક છે પણ તેને પાકિસ્તાનને ૩-૦થી હરાવવું પડશે. જેથી તેના ૧૧૦ અંક થઈ જશે. સાઉથ આફ્રિકા પહેલી ટેસ્ટ જીતીને ૧-૦થી આગળ છે.