(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
ભારતમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કેસો તેની શિખરે(પીક) પહોંચી રહ્યાં હોય અથવા તો સંક્રમણનો ખતરનાક સંભવિત ત્રીજો તબક્કો ચાલી રહ્યો હોય તેમ આજે શનિવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકના સમયગાળામાં દેશમાં સતત ૪થા દિવસે ૯ હજાર કરતાં વધારે કેસો બહાર આવ્યાં છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૯,૮૮૭ કેસો બહાર આવ્યાં અને આ જ સમયગાળામાં વધુ ૨૯૪ દર્દીઓના મોત થયા છે. નિષ્ણાતો એવો ભય વ્યક્ત કરે છે કે જો આ જ પ્રમાણે કેસો વધ્યા કરશે તો સંક્રમણને રોકવા કદાજ ફરીથી લોકડાઉન અંગે સરકાર વિચારે તો નવાઇ નહીં. અલબત્ત ૪-૪ લોકડાઉન બાદ હાલમાં અનલોક-૧ ચાલી રહ્યો છે તેથી ફરીથી લોકડાઉનની કોઇ શક્યતા જણાતી નથી. તેમ છતાં જનહિતમાં સરકાર કોઇપણ નિર્ણય લઇ શકે છે. આંકડાઓ પર નજર નાખીએ તો ભારતમાં એક જ અઠવાડિયામાં કોરોનાના ૬૧ હજાર કેસ વધ્યા છે. કેસોની સંખ્યામાં ભારત હવે ઇટાલી કરતાં પણ આગળ નિકળી ગયું છે. જો કે મૃત્યુઆંકમાં ભારત ઇટાલીથી ખૂબ જ પાછળ છે. જોકે, ઇટાલીમાં ૩૩,૭૭૪ દર્દીઓનાં મોત થઇ ચૂકયા છે જ્યારે ભારતમાં આ આંકડો ૬૬૪૯ છે.
કોરોનાને હરાવવા બે મહિનાના કડક લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટના પગલે કોરોનાનો કેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અને હજુ તો ૮ જૂનથી મોલ-ધાર્મિક સ્થાનો વગેરે. ખુલી રહ્યાં છે. ત્યારે તે વખતે કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૩૬,૬૫૭ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૮૮૭ નવા કેસ સાથે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. એકતરફ કેસો વધી રહ્યાં છે તો બીજી તરફ રિકવરી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮.૨૦ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૧૧ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧,૧૪૦,૭૩ સુધી પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૬૪૨ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનીવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૧૫૯૪૦ કેસ સક્રિય છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ શનિવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૯૮૮૭ કેસ સામે આવ્યા હતા.સાથે જ ૨૯૪ લોકોના મોત થયા છે. આ દરમિયાન દેશમાં સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૩૬ હજાર ૬૫૭ થઈ ગઈ છે. જેમાં ૧ લાખ ૧૫ હજાર ૯૪૨ એક્ટિવ કેસ છે. એક લાખ ૧૪ હજાર ૦૭૩ સાજા થઈ ચુક્યા છે. સાથે જ ૬૬૪૨ લોકોના મોત થયા છે.

ભારત બ્રિટન અને સ્પેનને પણ પાછળ છોડી શકે

ભારતમાં કોરોનાથી દર ૧૦ લાખની વસતીમાં ફક્ત ૫ લોકોના મોત થયા છે. આ આંકડો ઓછો હોવાનું કારણ વિશાળ જનસંખ્યા છે. ઇટાલીમાં દર ૧૦ લાખ લોકોએ ૫૫૯ લોકોના મોત થયા છે. દેશમાં જે ગતિથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને નવા કેસના રેકોર્ડ જે ઝડપથી વધી રહ્યા છે તેને જોતા આવતા સપ્તાહે કે ૧૦ દિવસમાં જ ભારત બ્રિટન અને સ્પેનને પાછળ છોડીને ચોથો સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશ બની શકે છે.

તો શું ફરી લોકડાઉનની સંભાવના ?

તો બીજી બાજુ AIIMSના એક સિનિયર ડોક્ટરે સરકાર પર નારાજગી વ્યક્ત કરી કે મહામારી સામે લડવા માટેની રણનીતિ વિશેષજ્ઞોની જગ્યાએ અધિકારીઓ બનાવી રહ્યાં છે. દિલ્હીમાં આવેલી ફોર્ટિસ હોસ્પિટલના નિર્દેશક ડો. વિકાસ મોર્યએ કહ્યું કે લોકોને ખબર હતી કે લૉકડાઉન ખોલવામાં આવશે તો કેસ વધશે. પરંતુ એ વાત પર પણ ધ્યાન આપવાનું છે કે સ્થિતિ બેકાબૂ ન થાય કારણ કે જો એવું થયું તો ફરી લૉકડાઉન લગાવી શકાય છે. ડોક્ટર વિવેકે કહ્યું કે કેસ સતત વધી રહ્યાં છે ત્યારે આ સમયે મોલ અને ધાર્મિક સ્થળ ખોલવા વધારે ઉતાવળભર્યું પગલું હશે.