(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
ડોકલામ વિવાદ બાદ ભારતે ચીનના તિબેટીય વિસ્તારની સરહદ પર અરૂણાચલ સેક્ટરના દિબાંગ, દાઉ દેલાઈ અને લોહિત ખીણમાં વધારે સૈનિકોની તૈનાતી કરી છે અને ત્યાંના પર્વતીય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. લશ્કરી અધિકારીઓએ કહ્યું કે ભારતે રણનીતિક દ્રષ્ટિએ સંવેદનશીલ તિબેટી વિસ્તારમાં સરહદે ચીની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પોતાની દેખરેખ તંત્રને વધારે મજબૂત બનાવ્યું છે અને દેખરેખ માટે નિયમીત રીતે હેલિકોપ્ટર તૈનાત કરતું રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત ત્રણેય ખીણોમાં સરહદ પર ચીનની વધતી જતી આક્રમકતા સાથે કામ પાર પાડવા પોતાની રણનિતિ હેઠળ દુર્ગમ પર્વતીય વિસ્તારો પર પોતાની પકડ મજબૂત કરવા માટે ધ્યાન આપી રહ્યું છે. જેમા ૧૭,૦૦૦ ફૂટ કરતાં વધારે ઊંચા અને બરફથી ઢંકાયેલા પર્વત સામેલ છે. ચીનના તિબેટીયન વિસ્તાર સાથેની ભારતની સરહદ પર વસેલા દુરદરાજના ગામમાં તૈનાત લશ્કરના એક અધિકારીએ કહ્યું કે ડોકલામ બાદ અમે અમારી ગતિવિધિઓને વધારી નાખી છે. અમે કોઈ પણ પડકારને પહોંચી વળવા તૈયાર છીએ. અધિકારીએ કહ્યું કે લશ્કર લાંબા અંતરના પેટ્રોલિંગમાં વધારો કરી રહ્યું છે જ્યાં સૈનિકો નાના-મોટા જૂથોમાં ૧૫-૩૦ દિવસો સુધી પેટ્રોલિંગ માટે નીકળતા હોય છે. જે વાસ્તવિક નિયંત્રણ રેખાને જાળવી રાખવાનો એક ભાગ છે. વાસ્તવિક નિયંત્રણ રેખા ભારત અને ચીનની વચ્ચેની અસલી સરહદ છે. ભારત અને ચીની સૈનિકોની વચ્ચે ગત વર્ષે ૧૬ જુન બાદ ડોકલામ વિવાદ પેદા થયો હતો. એક બીજા લશ્કરી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે અમે ભારત, ચીન અને મ્યાનમારની સરહદોના એક મિલનબિદું સહિત રણનીતિક રીતે મહત્વના તમામ વિસ્તારો પર ધ્યાન આપીને સૈનિકોની તૈનાતી વધારી નાખી છે. સરહદી રોડ સંગઠનના એક અધિકારીએ કહ્યું કે દિબાંગ ખીણને લોહિત ખીણ સાથે જોડનાર માર્ગ સહિત ઘણા માર્ગોને આખરી ઓપ આપવામાં આવ્યો છે જેનાથી અરૂણાચલમાં ખીણો વચ્ચે સારૂ જોડાણ સ્થાપિત થશે.