નૂરસુલ્તાન,તા.૧૯
ડેવિસ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ૨૯ અને ૩૦ નવેમ્બરે ઇસ્લામાબાદમાં રમનાર મેચ હવે કઝાખસ્તાનની રાજધાની નૂરસુલ્તાનમાં રમાશે. ઓલ ઇન્ડિયા ટેનિસ ફેડરેશનના સીઈઓ અખુરી બિશ્વદીપે મંગળવારે આ જાણકારી આપી હતી. એટીએફએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોતા ૪ નવેમ્બરે આ માંગ કરી હતી. ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને આનો ત્યારે જ સ્વીકાર કર્યો હતો, પરંતુ જગ્યા નક્કી કરી ન હતી.
પાકિસ્તાન ટેનિસ ફેડરેશને ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન વિરુદ્ધ પિટિશન ફાઈલ કરી છે. તેમણે કહ્યું છે કે, જો ભારતીય શ્રદ્ધાળુ પાકિસ્તાનમાં કોઈપણ સુરક્ષા વગર આવી શકે છે તો ખેલાડીઓ ઇસ્લામાબાદ રમવા માટે કેમ આવી શકતા નથી. તે સાથે જ પાકિસ્તાની ટેનિસ સ્ટાર એસ કુરેશીએ ભારતની માંગ મંજુર કરવામાં આવતા ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. સુરક્ષાના લીધે મહેશ ભૂપતિ, રોહન બોપન્ના, રાજકુમાર રામનાથન, સુમિત નાગલ સહિત ઘણા ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં રમવાની ના પાડી હતી. મેચ પાકિસ્તાનથી શિફ્ટ થઇ હોવાથી હવે તેઓ રમે તેવી સંભાવના પ્રબળ છે.