માર્લો,તા.૨૮
ભારતીય મહિલા હોકી ટીમે પોતાના ઈંગ્લેન્ડ પ્રવાસની શાનદાર શરૂઆત કરી છે. પ્રવાસની પ્રથમ મેચમાં ભારતે ગ્રેટ બ્રિટનને ૨-૧થી પરાજય આપ્યો છે. ભારતની જીતમાં ડિફેન્ડર ગુરજીત કૌર દ્વારા અંતિમ મિનિટમાં કરેલા ગોલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. ભારતીય ટીમ મેચમાં એક ગોલથી પાછળ હતી, પરંતુ તેણે વાપસી કરતા શાનદાર જીત મેળવી હતી. પાંચ મેચોની સિરીઝની પ્રથમ મેચનો પ્રથમ ક્વાર્ટર રોમાચંક રહ્યો અને બંન્ને ટીમનો સ્કોર ૦-૦ હતો. બીજુ ક્વાર્ટર ભારતીય ટીમના નામે રહ્યું હતું. મહેમાન ટીમે બોલ પર કંટ્રોલ રાખ્યો અને તેને ઘણા પેનલ્ટી કોર્નર મળ્યા હતા. પરંતુ મૈડી હિંચે શાનદાર બચાવ કર્યા હતા. ભારતે ત્રીજા ક્વાર્ટરમાં પણ સારૂ પ્રદર્શન કર્યું, પરંતુ તેને યજમાન ટીમના ડિફેન્સને ભેદવાની સફળતા ન મળી. બ્રિટને ચોથા ક્વાર્ટરની શાનદાર શરૂઆત કરી અને ૪૬મી મિનિટમાં એમિલી ડેફ્રોન્ડે ગોલ કરતા પોતાની ટીમને લીડ અપાવી હતી.