ભારતે લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશને ગેરકાયદેસર રીતે સ્થાપિત કર્યા છે, ભારતે એવી કોઇ કાર્યવાહી કરવી ના જોઇએ જેનાથી બંને દેશો વચ્ચે તંગદિલી ઊભી થાય, ભારત તરફથી જે રીતે સૈન્ય તૈનાતી કરાઇ છે તેનાથી જ સ્થિતિ તંગ બની છે : ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા સરહદ નજીક ૪૪ નવા બ્રિજ ખોલવા અંગે ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું છે કે, તે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે માન્યતા આપતું નથી અને તેને ભારતે ગેરકાયદેસર રીતે સ્થાપિત કર્યું છે. ચીને એમ પણ કહ્યું કે, તે આ ક્ષેત્રમાં માળખાકીય નિર્માણનો વિરોધ કરે છે. સાથેજ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને સરહદ પર માળખાકીય વિકાસને બંને પક્ષો વચ્ચે તંગદિલીનું મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, કોઇપણ પક્ષે એવી કોઇ કાર્યવાહી કરવી ના જોઇએ જેનાથી તંગદિલીમાં વધારો થાય. ઝાઓએ ભારત તરફથી લદ્દાખ ક્ષેત્ર અને અરૂણાચલ પ્રદેશમાં આઠ-આઠ બ્રિજ શરૂ કરવાને લઇને આ પ્રતિક્રિયા આપી છે. ચીનના પ્રવક્તાએ કહ્યું કે, પહેલાં તો હું એ સ્પષ્ટતા કરવા માગું છું કે, ચીન લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે માન્યતા આપતું નથી. તેને અને અરૂણાચલ પ્રદેશને ભારતે ગેરકાયદેસર રીતે સ્થાપિત કર્યા છે. અમે સૈન્ય ઉદેશ્યથી સરહદ પાસે માળખાકીય સુવિધાઓના વિકાની વિરૂદ્ધ છીએ.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, સહમતીના આધારે કોઇપણ પક્ષે સરહદની આસપાસ એવા પગલાં ના ભરવા જોઇએ જેનાથી તંગદિલી વધે. આનાથી સ્થિતિ સામાન્ય કરવાના બંને પક્ષોના પ્રયાસોને નુકસાન પહોંચશે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય પક્ષ સરહદ પર માળખાકીય નિર્માણ વધારવાની સાથે જ સેનાની તૈનાતી કરી રહ્યું છે અને બંને પક્ષો વચ્ચે તંગદિલી વધવાનું આ મુખ્ય કારણ છે. ચીનના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, અમે ભારતીય પક્ષને અનુરોધ કરીએ છીએ કે, તે બંને પક્ષોની તરફથી એકમેકની સહમતીના અનુસાર કામ કરે અને પગલાં અને કાર્યવાહીથી બચે જેનાથી સ્થિતિ બગડી શકે છે. ભારતે સરહદ પર શાંતિ સ્થાપવા માટે નક્કર પગલાં ભરવા જોઇએ. અધિકારીઓ અનુસાર નવા બ્રિજથી સરહદની નજીક સૈનિકો અને હથિયારોની ઝડપથી અવર જવર થશે. બ્રિજ અંગે સમાચારો એવા સમયે આવ્યા છે જ્યારે ભારતઅને ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ વચ્ચે સાતમીવાર સોમવારે વાતચીત થઇ હતી. રિપોર્ટ અનુસાર આ વાતચીત ૧૧ કલાક ચાલી હતી અને રાતે ૧૧.૩૦ વાગે પૂરી થઇ હતી. તાજેતરમાં બંને દેશોના સૈનિકો અનેકવાર સામ-સામે આવ્યા બાદ શાંતિ સ્થાપિત કરવાના ઇરાદાથી આ બેઠક થઇ રહી છે.