નવી દિલ્હી,તા.૨૯
ભારતે પુરૂષોની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૧ની યજમાની ગુમાવી દીધી છે. રાષ્ટ્રીય મહાસંઘ યજમાની ફી ભરી શક્યું નથી. આંતરરાષ્ટ્રીય બોક્સિંગ મહાસંઘે ૨૦૧૭માં કરવામાં આવેલો કરાર તોડીને હવે સર્બિયાને યજમાની સોંપી છે. એઆબીએ એક નિવેદનમાં કહ્યું, ભારત યજમાન શહેર કરારના નિયમો મુજબ યજમાની ફી ભરી શક્યું નથી,જેથી એઆઈબીએ કરાર તોડી દીધો છે. ભારતે હવે કરાર રદ્દ થવાને કારણે ૫૦૦ ડોલરનો દંડ ભરવો પડશે. ભારતમાં આ ટૂર્નામેન્ટ પ્રથમવાર યોજાવાની હતી. હવે સર્બિયાના બેલગ્રાદમાં યોજાશે. એઆઈબીએના અંતરિમ અધ્યક્ષ મોહમ્મદ મુસ્તાહસેને કહ્યું, સર્બિયા ખેલાડીઓ, કોચો, અધિકારીઓ અને પ્રશંસકો માટે દરેક રીતે સારા આયોજનમાં સક્ષમ છે.મુસ્તાહસેને કહ્યું કે, આ ચેમ્પિયનશિપ આગામી વર્ષે રમાનારા ટોક્યો ઓલિમ્પિક બાદ આયોજીત કરવામાં આવશે. તેમણે કહ્યું, ઓલિમ્પિકમાં ફેરફાર થવાને કારણે એઆઈબીએની કાર્યકારી સમિતિ યજમાન દેશની સાથે સંભવિત તારીખો પર ચર્ચા કરશે. અમને આશા છે કે જો કોરોના વાયરસને કારણે સ્થિતિ નિયંત્રણમાં રહે છે તો અમે વિશ્વ ચેમ્પિયનશિપને ઓલિમ્પિક ગેમ્સ બાદ આયોજીત કરાવશું. જેટલી જલદી તારીખ નક્કી થઈ જશે એટલો ફાયદો બોક્સરોને થશે.