(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
અમેરિકાએ ફરી એક વાર ચીન પર પડોશી દેશોને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. બુધવારે સાંજે વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈલી મેકનેનીએ કહ્યું- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે, ચીન માત્ર ભારત સામે નહીં પરંતુ અન્ય દેશો સામે પણ આક્રમક વલણ દેખાડી રહ્યું છે. તે અહીંની કોમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારના અસલી ચહેરાનો પુરાવો છે. થોડા દિવસ પહેલાં જ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે, અમેરિકા યુરોપમાંથી સૈનિક ઓછા કરીને તેમને એશિયામાં તહેનાત કરશે જેથી તેઓ ચીન સાથે મુકાબલો કરી શકે. જોકે ચીને અત્યાર સુધી આ નિવેદન સામે કોઈ પ્રતીક્રિયા આપી નથી. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવ વધી રહ્યો છે. બંને દેશોએ અહીં સૈન્યમાં વધારો કર્યો છે. વ્હાઈટ હાઉસે કહ્યું- અમેરિકાની અત્યારે ભારત અને ચીન વચ્ચેના તણાવ પર કડક નજર છે. અમે બંને દેશો સાથે એ આશા રાખીએ છીએ કે, આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવે. સાત સપ્તાહથી ચાલતા તણાવને સામાન્ય ન ગણવો જોઈએ. મેકનેનીએ કહ્યું, વાત માત્ર ભારત અથવા એશિયાની નથી. દુનિયાના અન્ય દેશોમાં પણ ચીને તેમનું વલણ આવું જ રાખ્યું છે. તેને નજર અંદાજ ન કરી શકાય. તેથી અમેરિકા માને છે કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારનો આ અસલી ચેહરો છે. આ પહેલાં સંસદમાં ચર્ચા દરમિયાન ઘણાં સાંસદોએ ભારત વિરુદ્ધ ચીનના વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકન કોંગ્રેસની ઈન્ટેલિજન્સ કમિટીના ચેરમેન એડમ શિફે કહ્યું- ચીને ગયા મહિને ભારતીય સૈનિકો સાથે હિંસા કરી હતી. ઘણાં ભારતીય સૈનિકો શહીદ થયા. ચીનને પણ ઘણું નુકસાન થયું છે પરંતુ તે તેણે દુનિયાથી છુપાવ્યું છે. કોવિડ-૧૯ મહામારીથી પરેશાન દેશોનો ચીન ફાયદો ઉઠાવી રહી છે