(એજન્સી) તા.૧૨
ભૂતકાળમાં જેના માટે અમેરિકા અને ભારત વિખ્યાત બન્યા હતા તે પારદર્શી ડીએનએ અને સહનશીલતા આજે સાવ અદૃશ્ય થઇ ગઇ છે એમ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે અમેરિકાના ભૂતપૂર્વ રાજદ્વારી નિકોલસ બર્ન્સ સાથેની વાતચીતમાં પોતાની હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું. બંને નેતાઓ કોરોના વાઇરસે સમગ્ર વિશ્વની તમામ પ્રકારની વ્યવસ્થાઓ ધરખમ રીતે બદલી નાંખી છે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા. કોંગ્રેસના નેતાએ એ વાતની પણ નોંધ કરી હતી કે ભૂતકાળમાં વ્યાપક ફલક ઉપર વિકસેલી બંને દેશોની મિત્રતામાં આજે ફક્ત સંરક્ષણની બાબતો ઉપર જ મહત્વ અપાય છે. બંને નેતાઓએ અમેરિકામાં વ્હાઇટ પોલીસ મેન દ્વારા જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેત નાગરિકની થયેલી હત્યા અને ભારત-યુએસ વચ્ચેના સંબંધોની વિસ્તૃત ચર્ચા કરી હતી. મારૂં માનવું છે કે આપણા બંનેના દેશો (ભારત-અમેરિકા)માં સહનશીલતા પ્રવર્તતી હતી તેથી જ આપણી મૈત્રિ ટકી હતી. તમે કહ્યું કે, તમારો દેશ સ્થળાંતરીત થયેલા લોકોનો બનેલો દેશ છે, આપણે તો ખુબ સહનશીલતા ધરાવનાર રાષ્ટ્ર છીએ. આપણું ડીએનએ જ એવું છે જે વ્યાપક પ્રમાણમાં સહનશીલતાનો ગુણ ધરાવે છે એમ રાહુલ ગાંધીએ નિકોલસ બર્ન્સ સાથે થયેલી એક વીડિયો ચેટમાં કહ્યું હતું. કોંગ્રેસે શુક્રવારે આ વીડિયો જાહેર કર્યો હતો. આપણે નવા-નવા વિચારોનો સ્વિકાર કરવો જોઇએ. આપણે ખુલ્લાપણુ રાખવું જોઇએ, પરંતુ આર્શ્ચયની વાત એ છે કે તે સહનશીલતા આજે ક્યાંય દેખાતી નથી, અદૃશ્ય થઇ ગઇ છે. મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભૂતકાળમાં જે કક્ષાની સહનશીલતા જોવા મળતી હતી તે આજે મને ક્યાંય દેખાતી નથી, ભારતમાં પણ નહીં અને અમેરિકામાં પણ નહીં એમ રાહુલ ગાંધીએ અમેરિકાના ભૂતપૂર્વ રાજદ્વારી બર્ન્સને કહ્યું હતું. અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડની એક વ્હાઇટ પોલીસ મેન દ્વારા થયેલી હત્યા અને ત્યારબાદ સમગ્ર અમેરિકામાં ફાટી નીકળેલી વિરોધી હિંસાના પરિપ્રેક્ષ્યમાં બંને નેતાઓ વાત કરી રહ્યા હતા.
અરિકામાં જે લોકો શ્વેત અને અશ્વેત લોકો વચ્ચે જે તિરાડ ઉભી કરી રહ્યા છે અને ભારતમાં જે લોકો હિંદુ-મુસ્લિમ-શીખ વચ્ચે જે ભાગલાં પાડી રહ્યા છે તેઓ પોતાના રાષ્ટ્રને નબળુ પાડી રહ્યા છે, તેમ છતાં તેઓને રાષ્ટ્રવાદી કહેવામાં આવે છે એમ કોંગ્રેસી નેતાએ કહ્યું હતું.