નવી દિલ્હી, તા.૧૩
ભારતીય ક્રિકેટ પ્રેમી દક્ષિણ આફ્રિકા સામે ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થનાર ટી-૨૦ શ્રેણીની રાહ જોઈ રહ્યા છે. જોકે પ્રશંસકો માટે એક ખરાબ સમાચાર છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-૨૦ મુકાબલો ૧૫ સપ્ટેમ્બરથી ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાની પિચ ફાસ્ટ બૉલરને મદદરુપ માનવામાં આવે છે. જોકે મેચ પહેલા બંને ટીમો મોસમના કારણે ચિંતિંત છે.
ટીમ ઇન્ડિયા ટી-૨૦ શ્રેણીથી ઘરેલુ સત્રની શરુઆત કરવા જઈ રહી છે. જોકે મોસમ વિભાગે આ મેચને લઈને ચેતવણી જાહેર કરી છે. મોસમ વિભાગના મતે ધર્મશાલામાં મેચના બે દિવસ પહેલા ભારે વરસાદની સંભાવના છે. જે ત્રીજા દિવસે પણ યથાવત્‌ રહેશે. જેથી પ્રથમ ટી-૨૦ મુકાબલામાં વરસાદ પડે તેવી સંભાવના વધારે છે. વરસાદના કારણે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના મેદાનકર્મીઓ માટે પણ મેચ પૂરી કરવાનો મોટો પડકાર રહેશે.
એક વખત વરસાદ શરુ થઈ ગયો તો તે ઘણા દિવસો સુધી યથાવત્‌ રહેશે. બંને ટીમો આ મુકાબલા માટે પોત-પોતાની તૈયારીમાં લાગી ગઈ છે. જોકે હકીકત એ છે કે તમારે પિચને તૈયાર કરવા માટે ઓછામાં ઓછા છ થી સાત દિવસની જરુર હોય છે. પણ વરસાદની સંભાવનાના કારણે મેદાનકર્મીઓના માથે ચિંતાની લકીર જોવા મળી રહી છે.