નવી દિલ્હી,તા. ૭
વડાપ્રધાન નરેંદ્ર મોદી અને તેમના નેપાળી સમકક્ષ કેપી શર્મા ઓલીએ મહત્વપૂર્ણ સફળ બેઠળ યોજી હતી. સંરક્ષણ, સુરક્ષા, સંપર્ક અને વેપાર જેવા ક્ષેત્રોમાં સંબંધો મજબુત કરવા ભારત અને નેપાળ આજે સહમત થયા હતા. ભારત અને નેપાળ નવી દિલ્હી અને કાઠમન્ડુ સુધી રેલ માર્ગ બિછાવવા માટે પણ સહમત થયા હતા. રેલ માર્ગના નિર્માણને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મોદી અને ઓલીએ સફળ બેઠક યોજી હતી. જેમાં તમામ પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક બાદ મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ભારત દેશની પ્રાથમિકતા હેઠળ નેપાળને ટેકો આપવાનું જારી રાખશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બંને દેશો સંપર્ક સંબંધિત તમામ યોજનાઓમાં તેજી લાવવા સહમત થયા છે. તેમણે ઉમેર્યું હતું કે, બંને દેશો વચ્ચે સહકારથી નેપાળમાં લોકશાહી મજબુત થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બંને પડોશી કાઠમાન્ડુ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગ તૈયાર કરવા ઉપર સહમત થઈ ગયા છે. બંને દેશો સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં મજબુત ગઠબંધન બનાવશે. બંને દેશો પોતાની ખુલ્લી સરહદના દુરૂપયોગને રોકવા માટે કામ કરશે. બીજી બાજુ નેપાળના વડાપ્રધાન ઓલીએ કહ્યું હતું કે, તેઓ ભારતની યાત્રા ૨૧મી સદીની વાસ્તવિકતાની સાથે બંને દેશો વચ્ચે દ્ધિપક્ષીય સંબંધને નવી ઉચાઈ પર લઈ જવા ઉચ્છુક છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે પડોશી દેશો વચ્ચે વિશ્વાસ આધારીત સંબંધો મજબુત કરવા મક્કમ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બંને પડોશી દેશો એકબીજાની મદદ કરવા માટે મક્કમ છે. નેપાળના વડાપ્રધાન ઓલી ભારત પહોચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી અને ઓલી વચ્ચેની વાતચીતમાં અન્ય તમામ મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ હતી.