(એજન્સી) તા.૧૨
ભારત, ઈરાન અને ઉઝબેકિસ્તાન મધ્ય એશિયા માટે સંપર્ક (કનેક્ટિવિટી)ની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ મનાતા ચાબહાર પોર્ટનું વ્યૂહાત્મક રૂપે સંયુક્ત ઉપયોગ કરવા અંગે સોમવારે એક ત્રિપક્ષીય મંત્રણા કરશે. વિદેશ મંત્રાલય દ્વારા આ બેઠક યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે ભારત, ઈરાન અને ઉઝબેકિસ્તાન વચ્ચે ચાબહાર પોર્ટના સંયુક્ત ઉપયોગ મામલે ત્રિપક્ષીય કાર્ય સમૂહની પહેલી બેઠક ૧૪ ડિસેમ્બરે ઓનલાઈન યોજાશે. ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન દ્વારા આ પોર્ટનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે જેથી આ ત્રણેય દેશો વચ્ચે વેપાર સંબંધોને પ્રોત્સાહન આપી શકાય. આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર (આઈએનએસટીસી) યોજનામાં ભારત દ્વારા ઉઝબેકિસ્તાનની ભાગીદારીની પૃષ્ઠભૂમિમાં ત્રિપક્ષીય બેઠક યોજાઈ રહી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત ચાબહાર પોર્ટને ટ્રાન્ઝિટ પોર્ટ તરીકે ઉપયોગ કરવા માટે ઉઝબેકિસ્તાનના રસનું સ્વાગત કરે છે. તેનાથી ક્ષેત્રના વેપારીઓ અને વેપારી સમુદાય માટે આર્થિક તકો પેદા થશે. ઉઝબેકિસ્તાન ઉપરાંત અન્ય મધ્ય એશિયાઇ દેશોએ પણ આ પોર્ટનો ઉપયોગ કરવામાં રસ દાખવ્યો છે. ભારત આ મુદ્દે પ્રાદેશિક દેશો સાથે નજીકનો સહયોગ ઈચ્છે છે. આઈએનએસટીસી ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે માલ પરિવહન માટે ૭૨૦૦ કિલોમીટર લાંબું એક બહુઆયામી પરિવહન યોજના છે.