(એજન્સી) ટોક્યો, તા.૨૪
કેટલાક રાજકીય નેતાઓ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીતનારી મીરાબાઇ ચાનુના ખૂબ વખાણ કર્યા હતા. મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં ભારતને ઓલિમ્પિક રમતોના ઇતિહાસમાં બીજો મેડલ અપાવ્યો છે. ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે જેણે વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મીરાબાઈ ચાનુ દ્વારા ઇતિહાસ રચ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી હતી અને તેમના ભવિષ્ય માટે સારા નસીબની શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ મીરાબાઈ ચાનુ સાથે વાત કરી હતી અને ટોક્યો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વળી, વડાપ્રધાન મોદીએ મીરાબાઈ ચાનુના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ ચાનુને અભિનંદન આપતાં કહ્યું કે ઓલિમ્પિકના પ્રથમ દિવસે પ્રથમ મેડલ ભારતને અપાવવા બદલ ખૂબ અભિનંદન, ભારતને તેની દિકરીઓ પર ગર્વ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લખ્યું કે, અમને ઘણો આનંદ થયો છે. તમે સમગ્ર ભારતને પ્રોત્સાહિત કર્યો છે મને વિશ્વાસ છે કે, પ્રથમ દિવસે તમે આ શરૂઆત કરી છે. બીજા એથ્લીટ્સ પણ આને અનુસરશે અને તેઓ પણ ભારતને ગર્વ અપાવશે. કિરન રિજિજુએ પણ કહ્યું કે ચાનુએ સિલ્વર મેડલ સાથે ભારતને ગર્વ અપાવ્યું છે. કેટલાક ટોચના નેતાઓએ પણ ચાનુ માટે અભિનંદનની વર્ષા કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટિ્વટ કર્યું, સમગ્ર દેશની પ્રાર્થના અને આશાઓ ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતીય ટુકડી સાથે છે.
Recent Comments