(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
ભારતના જી.ડી.પી.માં એપ્રિલથી જુનના ત્રિમાસિકમાં ૨૩.૯ ટકાનો અભૂતપૂર્વ ઘટાડાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેંકે કહ્યું છે કે અર્થતંત્ર ફરીથી સંકુચિત થયું છે અને દેશ ઐતિહાસિક મંદી તરફ ધકેલાયું છે. જોકે રિપોર્ટેમાં સંકેત આપ્યું છે કે સપ્ટેમ્બરમાં સમાપ્ત થતા ત્રિમાસિકમાં જી.ડી.પી.માં સંકુચિતતા ૮.૬ ટકા રહેશે. રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત પ્રકાશિત થયેલ “નાઉકાસ્ટ” મુજબ અર્થશાસ્ત્રીઓની ટીમના મિશેલ પાત્રાએ કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર સતત બીજા ત્રિમાસિકમાં પણ સંકુચિત થશે. ભારત ૨૦૨૦-૨૧ના પ્રથમ અર્ધ વાર્ષિકમાં પ્રથમ વખત એમના ઈતિહાસમાં ટેકનીકલ મંદીમાં પ્રવેશ્યું છે. બ્લૂમબર્ગના અર્થ શાસ્ત્રીઓએ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં ૧૦.૪ ટકાની સંકુચિતતાની આગાહી કરી હતી. જોકે રિઝર્વ બેંક સત્તાવાર આંકડાઓ ૨૭મી નવેમ્બરે જાહેર કરશે. રિઝર્વ બેંકની રિપોર્ટ ધ્યાનમાં રાખી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની ઝાટકણી કાઢી છે. એમણે કહ્યું છે કે મોદીના પગલાઓથી ભારત એક મજબૂત દેશના બદલે હવે નબળા દેશ તરીકે ઓળખાશે. આરબીઆઈને અગાઉથી જ પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન જીડીપીમાં ૯.૫ ટકાનો ઘટાડો થઇ શકે છે. આરબીઆઇના રિસર્ચર પંકજકુમાર દ્વારા તૈયાર કરવામાં આવેલ અધ્યયન નોંધમાં કહેવામાં આવ્યું છે કે ભારત ટેક્નિકલ રૂપથી ૨૦૨૦-૨૧ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત આર્થિક મંદીમાં સપડાઈ ગયું છે. ઇકોનોમિક એક્ટિવિટી ઇન્ડેક્સ એટલે કે આર્થિક કામકાજનો સૂચકાંક શીર્ષક હેઠળ લખવામાં આવેલ લેખમાં કહેવામાં આવ્યું છે કે સતત બીજા ક્વાર્ટરમાં આર્થિક ઘટાડો થવાનું અનુમાન છે. જો કે તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પ્રવૃત્તિઓ ધીમેધીમે સામાન્ય થવાની સાથે સાથે ઘટાડાનો દર પણ ઓછો થઇ રહ્યો છે અને સ્થિતિ સારી થવાની આશા છે.