મેલબર્ન, તા.૨૮
કોરોના વાયરસના કારણે હાલમાં તમામ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને સિરીઝ રદ્દ કરવામાં આવી છે. તેવામાં ડિસેમ્બરમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાનું કહેવું છે કે વર્ષના અંતમાં ભારતીય ટીમના ટેસ્ટ પ્રવાસ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ ચાર સ્થળ નક્કી કર્યા છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ ત્રણ ડિસેમ્બરે બ્રિસબેનમાં શરૂ થશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ માટે બાયો બબલ કે પછી આઈસોલેશનની કોઈ યોજના નથી. અગાઉ એવી અટકળો હતી કે કોરોના રોગચાળાના કારણે આ પ્રવાસ રદ્દ થઈ શકે છે. ૩જી ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે. જ્યારે એડિલેડ ડે-નાઈટ ટેસ્ટની યજમાની કરશે. પરંપરાગ બોક્સિંગ-ડે ટેસ્ટ અને નવા વર્ષની ટેસ્ટ અનુક્રમે મેલબોર્ન અને સિડનીમાં રમાશે. એડિલેડ ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડ કપના ભોગે પણ આ સિરીઝ રમાડવા માટે આતુર છે. આઈસીસી દ્વારા તમામ ટેસ્ટ મેચ એક-બે સ્થળે જ રમાડવાનું કહ્યું છે જેનાથી બાયો-સિક્યોર વાતાવરણ જળવાઈ રહે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તમામ ટેસ્ટ અલગ-અલગ સ્થળે રમાડવાનો નિર્ણય લીધો છે.