(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
ભારત અને ચીન વચ્ચે એલએસી પર તંગદિલી વચ્ચે સોમવારે ચીનની સેના (પીએલએ) ગલવાન ખીણના કેટલાક ભાગોમાંથી તંબુ હટાવતા અને પાછળ હટતી દેખાઇ હતી. સરકારી સૂત્રોના અહેવાલ અનુસાર બંને દેશો વચ્ચે થયેલા કરાર અનુસાર આ ક્ષેત્રમાં સૈનિકોના પાછળ હટવાનો પ્રથમ સંકેત છે. બંને દેશોની કોર કમાન્ડરો વચ્ચેની સમજૂતી અંતર્ગત ચીની સૈનિકોએ પાછળ હટવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોએ કહ્યું કે, ચીનની સેના પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪ પર લગાવાયેલા તંબુ અને માળખાઓ હટાવતા નજરે પડી હતી. ગોગરા હોટસ્પ્રિંગ વિસ્તારમાં પણ ચીની સૈનિકોના વાહનોની આ પ્રકારની ગતિવિધિઓ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૫મી જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં અથડામણ થઇ હતી જેમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા જ્યારે ૭૬ સૈનિકો ઘાયલ થયા હતા. બીજી તરફ ચીને પણ પોતાના સૈનિકો ગુમાવવા પડ્યા હતા પરંતુ તેણે ચોક્કસ આંકડો જાહેર કર્યો ન હતો.
સૂત્રો અનુસાર બંને દેશોએ પોતાના બફર ઝોન નક્કી કર્યા છે. સૂત્રોની જાણકારી મુજબ બંને દેશોની સેના આ હિંસક અથડામણ વાળી જગ્યાએથી ૧.૫ કિલોમીટર પાછળ ગઇ છે. જે સંભવત ગલવાન ખીણ સુધી સીમિત છે. હવે આ વિસ્તાર બફર ઝોન બની ગયો છે. જેથી આગળ કોઇ હિંસક અથડામણ ના થાય. આ સિવાય બે અન્ય જગ્યાએથી પણ ચીની સેના પાછી ગઇ છે. બંને પક્ષે અસ્થાઇ તંબૂ અને અસ્થાયી બાંધકામ પણ હટાવવામાં આવ્યા છે. ભારત અને ચીની સૈનિકોના પાછા જવાની વાતને ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે સૂત્રો મુજબ બંને દેશોની સેનાઓએ રિલોકેશન પર સંમતિ દાખવી છે અને બંને સેનાઓએ વિવાદિત સ્થાનથી પીછેહઠ કરી છે. જો કે બીજી તરફ પૈંગોગ લેક પાસે બંને દેશોની સેનાએ પીછેહટ કરી નથી. ભારતીય સેના અહીં પીછેહટ એટલા માટે નથી કરવા માંગતી કારણ કે ભારતીય સેના ફિંગર ૪માં છે આ વિસ્તાર હંમેશાથી ભારતના કંટ્રોલમાં રહ્યો હતો. ભારતે ફિગર ૮ પર એલએસી હોવાનો દાવો કર્યો છે. તેવામાં મંગળવારે ચુશૂલમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કમાન્ડર સ્તર બેઠકનો કોઇ ઉકેલ નથી આવ્યો. ત્રણ મહિનાથી ચાલી રહેલા આ વિવાદમાં ભારતે ડ્રેગનને સામરિક, આર્થિક અને રાજદ્વારી મોરચે ગંભીર ઇજા પહોંચાડી છે. ડીજીટલ સ્ટ્રાઇક કરીને ટીકટોક સહિતના ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારી કામોમાંથી ચીનની બાદબાકી થઇ રહી છે. લદ્દાખમાં ભારતે ૩૦ હજાર વધુ જવાન તહેનાત કર્યા છે. તેમને ઠંડીથી બચાવવા માટે ઈમરજન્સી ઓર્ડર આપવામાં આવ્યાં છે. સેનાના સીનિયર ઓફિસર્સનું માનવું છે કે, ચીન સાથેનો તણાવ લાંબો ચાલી શકે છે, તેથી સ્પેશિયલ ટેન્ટ્‌સની જરૂર પડી શકે છે. એક અહેવાલ પ્રમાણે, ચીને પણ તેમના સૈનિકોને ખાસ પ્રકારના ટેન્ટ્‌સમાં શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અહેવાલો અનુસાર સમાચાર એજન્સીએ ૨૯મી જૂને જણાવ્યું હતું કે, ચીનના સૈનિકો ભારતીય ક્ષેત્રમાં ૪૨૩ મીટર અંદર ધસી આવ્યા છે. અહેવાલમાં જણાવાયું હતું કે, આ વિસ્તારમાં ચીનના ૧૬ ટેન્ટ અને તાડપત્રીના તંબુ, એક મોટું શેલ્ટર અને ઓછામાં ઓછા ૧૪ યુદ્ધક વાહનો ભારતીય ક્ષેત્રમાં ૪૨૩ મીટર અંદર પાર્ક કરેલા દેખાયા હતા. લદ્દાખના પેંગોંગ લેક વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ચીનના સૈનિકો દેખાયા હતા. દરમિયાન ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરીને સ્પષ્ટતા કરી હતી કે, ચીનના સૈનિકો ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યા નથી. વડાપ્રધાન મોદીએ લદ્દાખમાં આવેલા લેહની ત્રણ જુલાઇએ મુલાકાત લીધી હતી અને પોતાના ભાષણમાં સૈનિકોની પ્રશંસા કરી તથા સાજા થઇ રહેલા ઘાયલ સૈનિકોની મુલાકાત પણ લીધી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચીનની સેનાએ કમાન્ડર સ્તરની બેઠકમાં થયેલી સમજૂતીને આધારે પીપલ્સ લિબરેશન આર્મીને પાછળ હટાવવાનું શરૂ કર્યું છે. પીએલએ પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪ પર ટેન્ટ અને માળકા હટાવતું દેખાયું હતું. એક અન્ય અધિકારીએ કહ્યું કે ગલવાનના સામાન્ય વિસ્તાર તથા હોટસ્પ્રિંગ ગોગરા પોસ્ટ પરથી પણ પીએલએના વાહનો પાછા હટતા દેખાયા હતા.

ભારત સાથે સૈન્ય મંત્રણામાં થયેલી સમજૂતી પર અમલ : ચીન

લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીની સૈનિકોએ પીછેહઠ શરૂ કરી દીધી છે. ત્યારે ચીની સેના દ્વારા જે પગલું ભરવામાં આવી રહ્યું છે તેને લઈ ચીની વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે, ૩૦ જૂનના રોજ બંને પક્ષ વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી જેમાં સહમતી સધાયા બાદ સૈનિકો પાછા હટી રહ્યા છે. ચીનના સરકારી મુખપત્રે વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજાનનો હવાલો આપતા લખ્યું હતું કે, ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ૩૦ જૂનના રોજ ત્રીજી ક્માન્ડર સ્તરીય વાર્તા યોજાયેલી જેમાં સરહદ વિવાદ અને જવાનોની પીછેહઠ મુદ્દે સહમતી સધાઈ. બંને દેશોએ આ મામલે પ્રભાવી ઉપાયો સાથે પ્રગતિ કરી છે.

ચીનના સૈનિકોએ પાછા હટવાનું શરૂ કરતા કોંગ્રેસે પીએમ મોદી પાસે માફીની માગણી કરી

ભારત અને ચીન વચ્ચે સૈનિકો ખસેડવાની પ્રથમ પ્રક્રિયામાં ગલવાન વિસ્તારના પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪માંથી બંને દેશના સૈનિકો પાછા હટવાનું શરૂ કરાતા કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે એ નિવેદન બદલ દેશ સમક્ષ માફી માગવાની માગણી કરી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યું નથી અને કોઇએ ભારતીય ચોકીઓ કબજે કરી નથી. કોંગ્રેસે એવું પણ કહ્યું કે, કાંતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લદ્દાખની હાલની સ્થિતિ વિશે દેશને જણાવે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પત્રકારોને જણાવ્યું કે, ચીનના પીએલએને પાછળ ધકેલવા આપણા બહાદૂર સૈનિકો પ્રયાસ કરે છે અને આપણે સફળ થયા તેવા સમાચારોથી અમે ખૂશ છીએ. અમને અમારા સૈનિકો પર ગર્વ છે. આમ કરવામાં આપણા સૈનિકોની ક્ષમતા પર અમને જરા પણ શંકા નથી. તેમણે ભૂતકાળમાં પણ આ કામ કરી બતાવ્યું છે પછી તે ચીન હોય કે પાકિસ્તાન હોય. આપણી સેનાને કોઇના પ્રમાણપત્રની જરૂર નથી. જોકે, સર્વપક્ષીય બેઠકમાં કમનસીબે વડાપ્રધાન મોદીએ ચીનની સરકારને ક્લિન ચીટ આપી દીધી હતી. તે જ સમયે ચીન કહે છે કે, ગલવાન ખીણ તેમનો વિસ્તાર છે. આજે વડાપ્રધાને આ તક ઝડપી લેવી જોઇએ અને દેશને વિશ્વાસમાં લેવા માટે પોતાના શબ્દો બદલ માફી માગવી જોઇએ. તેમણે કહેવું જોઇએ કે હા હું ખોટો હતો, તમને ગેરમાર્ગે દોર્યા હતા અથવા મારે તે માટે બીજા શબ્દોનો ઉપયોગ કરવો જોઇતો હતો.