(એજન્સી) તા. ૧૬
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચૂંટણીની રેલીને સંબોધતાં કહ્યું ચીન, રશિયા અને ભારત વિશ્વભરમાં ફેલાયેલા હવા પ્રદૂષણ માટે જવાબદાર છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાનો પર્યાવરણની દૃષ્ટિએ રેકોર્ડ સારો રહ્યો છે. ટ્રમ્પે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તે મહત્ત્વપૂર્ણ બેટલગ્રાઉન્ડ રાજ્ય નોર્થ કેરોલિનામાં ગુરુવારે તેમના સમર્થકોને સંબોધી રહ્યા હતા. ૩ નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાશે. કોરોના વાઈરસથી સાજા થયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે જોરશોરથી રેલીઓ કરી રહ્યાં છે. રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પે કહ્યું કે તેમના કાર્યકાળમાં અમેરિકાએ પર્યાવરણની સુરક્ષા કરતા ઊર્જા સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. આપણો પર્યાવરણીય રેકોર્ડ, ઓઝોન રેકોર્ડ અને અનેક અન્ય રેકોર્ડ સૌથી સારાં છે.
આ દરમિયાન ચીન, રશિયા, ભારત આ તમામ દેશોએ હવાને પ્રદૂષિત કરી છે. ટ્રમ્પે જૂન ૨૦૧૭માં પેરિસ ક્લાઈમેટ સમજૂતિથી ખસી જવાની જાહેરાત કરી હતી. તેમનું કહેવું હતું કે આ સમજૂતિને લીધે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે અને રોજગાર છીનવાઈ રહ્યું છે. સાથે જ ગેસ, ઓઈલ અને કોલસાની ઈન્ડસ્ટ્રીને પણ ખોટ થઇ રહી છે. આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પે ચૂંટણી રેલીમાં ભારત, રશિયા અને ચીન પર આરોપ મૂક્યો હતો. અગાઉ ૨૯ સપ્ટેમ્બરે થયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પણ ટ્રમ્પે આ ત્રણેય દેશો પર આરોપ મૂક્યો હતો. ડિબેટમાં કોરોના વાઈરસ મહામારી અંગે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત, રશિયા અને ચીન કોરોના વાઈરસથી થયેલાં મૃત્યુના આંકડા છુપાવી રહ્યાં છે.
Recent Comments