(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠન ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના એક નવા રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચાર અંગે ભારતના સરકારી ક્ષેત્રોની છાપ દુનિયાની નજરમાં હજુ પણ ખરાબ છે. જોકે ૨૦૧૫ ની તુલનાએ સ્થિતિમાં સુધારો થયો હોવાનું પણ સંકેત છે. સંસ્થાના નવા રિપોર્ટમાં ભ્રષ્ટાચાર સૂંચકાંક ૨૦૧૭ માં ભારતને ૮૧ મા ક્રમે રાખવામાં આવ્યું છે. જ્યારે ગત વર્ષના રિપોર્ટમાં ભારતને ૭૯ મું સ્થાન આપવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ભારત ચીન કરતાં વધારે ભ્રષ્ટ પરંતુ પાકિસ્તાન કરતાં સારૂ છે. ભ્રષ્ટાચારની સામે સરકારોને એક મજબૂત સંદેશ આપવાના હેતુસર ૧૯૯૫ માં શરૂ કરવામાં આવેલા આ સૂંચકાંકમાં ૧૮૦ દેશોની સ્થિતિનું આકલન કરવામાં આવ્યું હતું. સૂચકાંક તૈયાર કરવા માટે દેશોને વિવિધ કસોટીઓ પર ૦ થી ૧૦૦ નંબર આપવામાં આવે છે. સૌથી ઓછો નંબર સૌથી વધારે ભ્રષ્ટાચાર વ્યાપ્ત હોવાનો સંકેત છે. સમગ્ર એશિયા પ્રાંતમાં કેટલાક દેશોમાં પત્રકારો, કાર્યકરો, વિપક્ષી નેતાઓ અને ત્યાં સુધી કાયદો લાગુ પાડનાર તથા નિયામકીય એજન્સીઓના અધિકારીઓને ધમકી આપવામાં આવે છે. ક્યાંય ક્યાંય તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેમની હત્યાની પણ ઘટનાઓ બનતી હોય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે છ વર્ષમાં આ દેશોમાં ૧૫ પત્રકારોની હત્યા થઈ છે જેઓ ભ્રષ્ટાચારની સામે મેદાને પડ્યાં હતા. આ કિસ્સામાં ભારતની તુલના માલદીવ અને ફિલિપાઈન્સ જેવા નાના દેશો સાથે કરવામાં આવી છે.