(એજન્સી) તા.૧૯
લદ્દાખની ગલવાન ખીણમાં થયેલ અથડામણ પછી ભારત અને ચીનની વચ્ચે સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. આ દરમ્યાન ભારતીય વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા બે દિવસોના લેહ પ્રવાસ પર પહોંચ્યા. કોઈ પણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે ભારતીય સેનાથી લઈને વાયુસેના એલર્ટ છે.
વાયુસેનાએ પોતાના લડાકુ વિમાનો અને પોતાની સૈન્ય સંપત્તિના હવાઈ ઠેકાણા પર તૈનાત કરતા શરૂ કરી દીધા છે. વાયુસેના પ્રમુખ દ્વારા લેહ અને શ્રીનગરના એરબેસની સમીક્ષા કરવામાં આવી. આ બંને એરબેસ દરેક રૂપે કોઈ પણ ઓપરેશન માટે મહત્ત્વપૂર્ણ છે. વસ્તુતઃ વાયુસેના પ્રવક્તાની તરફથી આ પ્રવાસને લઈને કોઈ પુષ્ટિ નથી કરી. ગલવાન ખીણમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલ હિંસક અથડામણમાં ર૦ ભારતીયના મોત પછી ત્રણેય સેનાના ચીફે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. બંને દેશોના અધિકારીઓ વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. બતાવીએ કે ચીન લદ્દાખ સરહદ પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે અને અહીંયા ૧૦ હજાર સૈનિકોને તૈનાત કરી રાખ્યા છે.

લદ્દાખથી લઈને અરૂણાચલ સુધી એલએસી પર ભારતીય સૈન્ય
યુદ્ધની જેમ તૈયાર, ચીનની દરેક ચાલનો જવાબ આપવા તત્પર

(એજન્સી) તા.૧૯
ભારત-ચીન : ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછી ભારતીય સૈન્યએ તેના જવાનોને એલએસી ઉપર યુદ્ધની સ્થિતિ હોય તેમ તૈયાર રહેવાનું કહ્યું છે. સેનાના ટોચના અધિકારીએ જણાવ્યું કે પોતાના ર૦ જવાનો ગુમાવ્યા પછી હવે ભારતે નિર્ણય લીધો છે કે જો ચીન ચાલબાજી કરીને આગળ પગલા ભરશે તો તેને હવે ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે સરહદ સંચાલન ઉપર શાંતિ બનાવી રાખવાની ભારતની કાર્ય પદ્ધતિ હવે બદલાઈ ગઈ છે. અને ચીનની પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી) માટે જ્યારે ઈચ્છે ત્યારે આવી જવાનો વિકલ્પ હવે ખતમ થઈ ગયો છે. વધુમાં તેમણે કહ્યં કે ગલવાનની ખીણમાં લોહિયાળ અથડામણ થયા પછી આ સમયે ભારતીય સૈન્ય ૩,૪૮૮ કિ.મી. લાંબી એલએસી અને પૂર્વી ક્ષેત્ર ૩પર સોથી વધારે સાવચેત પરિસ્થિતિમાં તૈનાત છે. ત્યાં ચીને પણ એલએસી ઉપર તેની સૈન્ય ઉપસ્થિતિ વધારી દીધી છે. ખાસ કરીને ગલવાન ખીણ, દૌલત બેગ ઓલ્ડી, દેપસાંગ, ચુશુલ અને પૂર્વ લદ્દાખના અન્ય એવા ક્ષેત્રોમાં આવું કરવામાં આવ્યું છે. તેમ છતાં ભારતીય રક્ષા દળ આનાથી હેરાન નથી. કારણ કે તે લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી એલએસી ઉપર લગભગ યુદ્ધ જેવી સ્થિતિની ચેતવણી સાથે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. દાખલા તરીકે પૂર્વ લદ્દાખમાં એલએસીની નજીકના આગળના ક્ષેત્રોમાં ૧પ૦૦૦થી વધારે ભારતીય સૈનિકો તૈનાત છે. અને તેમની પાછળ આનાથી પણ વધારે સંખ્યામાં સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે. ટીઓઆઈએ સૂત્રોના અહેવાલ પરથી જણાવ્યું કે અધિકારીના કહ્યા પ્રમાણે અમારા સૈનિકો પાછળ નહીં ખસે. અમારી ક્ષેત્રીય અખંડતા વિશે કોઈ પણ જાતનું સમાધાન નહીં કરવામાં આવે. ચીને કાર્ટોગ્રાફિક આક્રમકતાનો આ ખેલ ઘણી વખત બહુ લાંબા સમય સુધી રમ્યો છે. તે અમારા ક્ષેત્રોમાં ઘૂસપેઠ કરે છે અને મનગમતી રીતે દાવા કરે છે. તેમનો વારંવાર પૂનઃઉચ્ચાર કરે છે. જાણે એમ કે તે સત્ય જ હોય. પાછળથી આ વિશે ભારતને આક્રમક ગણાવે છે. તેમણે આગળ જણાવ્યું કે હવે આની પરવાનગી આપવામાં આવશે નહીં. ક્ષેત્રને પચાવી પાડવાના દરેક પ્રયાસના લીધે પીએલએને ભારે નુકસાન વેઠવો પડી શકે છે.