(એજન્સી) તા.રપ
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ભારત અને ચીન વચ્ચે હાલ પ્રવર્તી રહેલી તંગદીલી અને સંઘર્ષની પરિસ્થિતિને ખૂબ જ ગંભીર અને ચિંતાજનક ગણાવી હતી અને બંને દેશોને તેઓના સરહદી વિવાદને વાટાઘાટો અને મંત્રણા દ્વારા ઉકેલવાની અપીલ કરી હતી તે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, બ્રિટન આ સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે.
બુધવારે બ્રિટિશ પાર્લામેન્ટના નીચલા ગૃહમાં એટલે કે પ્રતિનિધિ સભામાં વડાપ્રધાન સાથેનો પ્રશ્ન કલાક શરૂ થયો ત્યારે સૌ પ્રથમવાર ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલી તંગ પરિસ્થિતિનો ઉલ્લેખ થયો હતો. બાજુ કોમનવેલ્થના સભ્ય અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા રાષ્ટ્ર (ભારત) અને બીજી બાજુ લોકશાહીના વિચારને પડકાર ફેંકનાર રાષ્ટ્ર (ચીન) વચ્ચે હાલ પ્રવર્તી રહેલાં વિવાદના કારણે બ્રિટનના હિતો ઉપર શું અસર પડશે એવા કોન્ઝર્વેટિવ પાર્ટીના સંસદ સભ્ય ફ્લિક ડ્રમોન્ડે પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં વડાપ્રધાન જ્હોન્સને કહ્યું હતું કે, પૂર્વ લદ્દાખના વિસ્તારોમાં જે રીતે સ્થિતિ તંગ બની રહી છે તે ખરેખર ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે, બ્રિટન તેના ઉપર સતત નજર રાખી રહ્યું છે. હું કદાચ બંને દેશોને એટલું જ કહી શકું કે તેઓએ તેઓના સરહદી વિવાદનો ઉકેલ વાટાઘાટો અને મંત્રણાઓ દ્વારા લાવી દેવો જોઈએ એમ જ્હોન્સને કહ્યું હતું. દરમ્યાન બુધવારે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ લદ્દાખમાં સંઘર્ષના સ્થળેથી બંને દેશોએ પોતાના સૈન્યને પાછું ખેંચી લેવાની જે અગાઉ સંમત્તિ થઈ હતી તેનો ઝડપી, યોગ્ય અને પારદર્શક અમલ કરવાથી જ સરહદી વિસ્તારોમાં શાંતિની સ્થાપના થઈ શકશે. ભારત અને ચીન વચ્ચે થયેલી રાજદ્વારી મંત્રણામાં ભારતે લદ્દાખના પૂર્વ વિસ્તારની સ્થિતિની ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી અને ભારતે ૧૫ જૂનના રોજ ગલવાન ખીણ પ્રદેશમાં જે હિંસક ઝપાઝપી થઈ હતી તેના પ્રત્યે પોતાની ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી, કેમ કે આ હિંસક અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થઈ ગયા હતા. જો કે, ચીનના પક્ષે પણ કેટલાક જવાનોની જાનહાનિ થઈ હતી પરંતુ ખંધા ચીને તેના કેટલા જવાનો માર્યા ગયા તેનો કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નહોતા.