(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
પૂર્વી લદ્દાખમાં સોમવારે રાતે ગલવાન વેલીમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત ર૦ સૈનિકો શહીદ થઈ ગયા. આ જીવલેણ હુમલામાં ભારતીય સેનાના ઘણા સૈનિકો ગંભીર રૂપે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. બુધવારે સરકારી સૂત્રોએ કહ્યું કે આને ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલ સૌથી ઘાતક હુમલામાંથી એક રૂપે જોવામાં આવી રહેલ છે. આનાથી ઘાયલોની સંખ્યા હજી વધી શકે છે. સરકારી સૂત્રોએ કહ્યું કે ગંભીર રૂપે ઘાયલ સૈનિકોની સંખ્યા બેવડી સંખ્યામાં છે. જો કે ભારતીય સેનાએ સંખ્યા પર ટિપ્પણી કરવાની ના પાડી દીધી અને કહ્યું કે સૈનિકો ઘાયલ છે. ચીની લશ્કર દ્વારા ભારતીય લશ્કરી સૈનિકો પર સોમવાર રાતે હુમલો થયો અને એ લગભગ ૬થી ૭ કલાક સુધી ચાલુ રહ્યો. ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની વાતચીતને રોકી દેવામાં આવી છે. સંરક્ષણમંત્રીએ નિયંત્રણ રેખા પર સ્થિતિ સમીક્ષા કરી છે. સાથે લશ્કરને એલએસી પર ધ્યાન વધારવાના નિર્દેશ આપ્યા છે. સૂત્રો અનુસાર સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ત્રણેય લશ્કરી પ્રમુખો (સેના, નૌસેના, અને વાયુસેના) અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સાથે બેઠક કરી છે. તેમણે વર્તમાન સ્થિતિ પર વિદેશમંત્રી એસ. જયશંકરથી પણ વાત કરી છે. સરકારી સૂત્રોએ બતાવ્યું કે મંગળવારે લદ્દાખ ક્ષેત્રના ગલવાન વેલીમાં થયેલ હુમલામાં સ્થળેથી ભારતીય હેલિકોપ્ટરોએ શબો અને ઘાયલ સૈનિકોને લાવવા માટે લગભગ ૧૬ વાર ઉડાન ભરી. ભારતીય લશ્કરના ૪ સૈનિકોના શબ બુધવાર સવારે ગલવાનથી લેહ માટે રવાના કરવામાં આવ્યા. મંગળવારે ભારતીય લશ્કરે કહ્યું કે અધિકારીઓ સહિત ર૦ જવાન આ હિંસક અથડામણમાં શહીદ થયા હતા. લશ્કરે એ પણ કહ્યું કે હુમલો ક્રૂર હતો અને આમાં લાગેલ ઈજાઓ ગંભીર હતી. ભારતીય સેનાએ મંગળવારે મોડી રાતે એક નિવેદન આપતા કહ્યું ૧૭ ભારતીય સૈનિક જે અથડામણ સ્થળે ડ્યુટી પર હતા તે ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા. તે ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂન્યથી નીચેના તાપમાનમાં હતા. ગંભીર ઈજાઓને કારણે તેઓ મૃત્યુ પામ્યા જેનાથી જાનહાનિની સંખ્યા ર૦ સુધી પહોંચી ગઈ. સેનાએ આગળ કહ્યું કે ભારતીય અને ચીની સૈનિક ગલવાન ક્ષેત્રથી હટી ગયા છે જ્યાં ૧પ જૂન અને ૧૬ જૂન ર૦ર૦ની રાતે સંઘર્ષ થયું હતું. સેનાએ કહ્યું કે ભારતીય લશ્કર રાષ્ટ્રની ક્ષેત્રીય અખંડતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે દૃઢતાથી પ્રતિબદ્ધ છે. નોંધપાત્ર રૂપે પીએલએના સૈનિકોએ સોમવાર રાત પેટ્રોલિંગ દરમ્યાન ભારતીય લશ્કરના સૈનિકોના એક નાનકડા સમૂહ પર હુમલો કર્યો હતો. જેનાથી ભારતીય કમાન્ડિંગ અધિકારી સહિત ૩ સૈનિકો શહીદ થઈ ગયા હતા. પછી બંને પક્ષોથી હિંસક અથડામણમાં તીવ્રતા વધી ગઈ અને મોડી રાત સુધી ચાલુ રહી. લડાઈ દરમ્યાન ઘણા ભારતીય સૈનિકો લાપતા થઈ ગયા. મંગળવારે ભારતીય અને ચીની અધિકારીઓએ સ્થિતિ ઠીક કરવા બેઠક કરી.