(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨૭
ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે હવે અમેરિકી કૂદ્‌યૂં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમણે ભારત અને ચીન બંનેને જણાવ્યું છે કે, તેઓ આ વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થતા કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ભારત સાથે જોડાયેલી સરહદો પર સૈનિકોના ઘર્ષણ બાદ ચીને પોતાના સૈનિકોને મોટી સંખ્યામાં તહેનાત કર્યા છે. નવી તંગદિલી ત્યારે ઉભી થઇ જ્યારે ચીને ભારતીય સરહદમાં ચાલી રહેલા નિર્માણ કાર્ય પર વાંધો ઉઠાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ટિ્‌વટ કરીને જાહેરાત કરી હતી કે, ‘અમે ભારત અને ચીનને જણાવ્યું છે કે અમેરિકા બંને વચ્ચે ઉકળી રહેલા સરહદ વિવાદમાં મધ્યસ્થતા કરવા અથવા નિર્ણય લેવા માટે તૈયાર છે, ઇચ્છૂક છે અને યોગ્ય પણ છે. વાસ્તવમાં લદ્દાખમાં એક વર્ષ પહેલા માર્ગનું નિર્માણ થયું છે. આ કામ અત્યંત કઠિન અને પડકારજનક સ્થિતિમાં સંપન્ન થયું હતું જે બાદથી ચીન અકળાયેલું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા કાશ્મીર વિવાદ અંગે પણ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના વિવાદની મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી. ટ્રમ્પે ૨૦૧માં ઇમરાન ખાનની અમેરિકાની મુલાકાત બાદ કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મોદીએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા તેમને કહ્યું છે.
આ તંગદિલીભરી સ્થિતિમાં ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારત સાથે સરહદ પર સ્થિતિ સંપૂર્ણ સ્થિર અને નિયંત્રણમાં છે. બંને પાસે વાતચીત કરવા મુદ્દાઓને ઉકેલવા માટે યોગ્ય તંત્ર અને સંચાર માધ્યમ પણ ઉપલબ્ધ છે. જોકે, આ પહેલા અમેરિકા અને ભારત સહિત અનેક દેશો સાથે તંગદિલી વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને યુદ્ધની તૈયારી કરવાનો નિર્દેશ આપ્યો હતો જેનાથી લદ્દાખમાં તેના સેનાને તહેનાત કરવાને આક્રમક પગલાં તરીકે જોવામાં આવી રહ્યું હતું. શીએ પોતાની સેનાને આદેશ આપ્યો હતો કે, તેઓ સૌથી ખરાબ સ્થિતિની કલ્પના કરે, તે અંગે વિચારે અને યુદ્ધ માટે પોતાની તૈયારીઓ અને તાલીમને વધારે, તમામ જટિલ પરિસ્થિતિઓથી તરત અને પ્રભાવશાળી રીતે ઉકેલ લાવે. જોકે, આ દરમિયાન ચીને ભારત અંગે કોઇ સંકેત આપ્યા ન હતા. રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં અમેરિકા સાથે વધી રહેલી તંગદિલી વિશેનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે તાઇવાનના નેતાઓ સાથે વાતચીત અને મુત્સદ્દીગીરી વધારવાની વાત પણ કરી હતી.
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીએમ કાર્યલયમાં આ બાબતે ગહન ચર્ચા કરી હતી. પીએમ મોદીએ મંગળવારે લદ્દાખ અંગે સંપૂર્ણ રિપોર્ટ મેળવ્યો હતો. આ સિવાય ત્રણેય સેન્યના વડાઓને આ બાબતે વિકલ્પો સૂચવવા માટે પણ કહ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન સૈના પ્રમુખો, સીડીએસ સાથે આ બાબત પર બ્લુ પ્રિન્ટ માંગવામાં આવી છે. પીએમ મોદીની બેઠક પૂર્વે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ આ મુદ્દે એક બેઠક યોજી હતી અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત લદ્દાખ બોર્ડર પર રસ્તાનું નિર્માણનું કાર્ય બંધ કરશે નહીં.
હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી પૂર્વિ લદ્દાખમાં એલએસી (વાસ્તવિક નિયંત્રણ રેખા) પાસે ચીનની તરફથી સૈન્યગતિવિધિઓ વધ્યા પછી બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ પેદા થઈ છે. ભારત પોતાની સરહદની અંદર રસ્તો બનાવવા પર ચીન દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે. ચીની હરકતોને લઈને ભારત પણ એલર્ટ મોડમાં છે. બંને દેશોની સૈનાઓની હાલમાં સરહદ પર ગતિવિધિઓ વધારી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ૨૦૧૭ માં ઊભા થયેલા ડોકલામ વિવાદ જેવી પરિસ્થિતિ ફરીથી બંને દેશો વચ્ચે ઊભી થઈ છે.