(એજન્સી) બેઇજિંગ,તા.૬
લદ્દાખ સરહદ વિવાદને ઉકેલવા માટે ભારતીય સેનાએ લેફ્ટેનેન્ટ જનરલ રેન્કના અધિકારીઓની બેઠક પહેલા ચીન સરકાર દ્વારા ચલાવાતા દૈનિક ગ્લોબલ ટાઇમ્સે કહ્યું છે કે, સરહદ વિવાદ ઉકેલવાને જોરશોરથી ઉઠાવવા માટે ભારતને સમર્થન હોવાથી અમેરિકા દ્વારા ભારતે મૂર્ખ ના બનવું જોઇએ. ગ્લોબલ ટાઇમ્સે કટાક્ષ કરતા લખ્યું છે કે, ભારતે ધીરે-ધીરે ચીન પ્રત્યે કૂટનીતિ શ્રેષ્ઠતાનું ભ્રમ પેદા કર્યું છે. ભારતના કેટલાક લોકોને લાગે છે કે, ચીન સરહદ મુદ્દે ભારતને છૂટછાટ આપી શકે છે. તેમને વિશ્વાસ છે કે, ચીનના તૂટવાથી ભારતને લાભ થઇ શકે છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, ચીન પ્રત્યે વિરોધની માનસિકતા ભારતમાં વધી રહી છે અને તેણે ભારતના નીતિ ઘડનારાઓ પણ દબાણ વધાર્યું છે. ચીન અને ભારતના નેતાઓએ ૨૦૧૮માં એક બિનઔપચારિક શિખર બેઠક કરી હતી અને મહત્વપૂર્ણ સહમતી પર પહોંચી ગયા હતા. પાછલા બે વર્ષમાં બંને દેશોના ઉચ્ચ રેન્કના અધિકારીઓ વચ્ચે સતત સંપર્ક જળવાઇ રહ્યું અને ભારતીય નેતાઓએ કૂટનીતિક શાંતિ દેખાડી. આશા છે કે, આ પ્રકારની શાંતિ ખાસ કરીને સરહદ વિવાદ પર મહત્વની ભૂમિકા નિભાવશે. ચીની મીડિયાએ લદ્દાખમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતને ચેતવણી આપીને જણાવ્યું હતું કે, તેણે અમેરિકા અથવા કોઇ બીજા દ્વારા મૂર્ખ બનવું ના જોઇએ. ગ્લોબલ ટાઇમ્સે આરોપ લગાવ્યો કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાસે ગલવાન ઘાટી શ્રેત્રમાં ભારતના માળખાકીય નિર્માણને કારણે ઘર્ષણ થયું હતું. જેમાં બંને પક્ષોના સૈનિકો ઘાયલ થયા હતા. ભારત અને ચીને વિવાદને શાંત રાખવા માટે સરહદ પર ઓછી સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા છે. ગ્લોબલ ટાઇમ્સે ભારતીય મીડિયા પર નિશાન સાધતા લખ્યું છે કે, ભારતીય મીડિયા સંસ્થાઓ ચીની આક્રમકતાના શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. આ વિવાદને વધુ ભડકાવનારૂં છે. ભારતે ઉશ્કેરણીમાં આવવું જોઇએ નહીં. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, ભારત-ચીન સરહદ અને એલએસી હજુ પણ અસ્પષ્ટ છે. પહેલાના સમયમાં ભારતીય અને ચીનની સેના વચ્ચે પેટ્રોલિંગ દરમિયાન ઘર્ષણની ઘટનાઓ બની હતી. જોકે, બંને દેશોની સેનાઓ આધુનિકીકરણ તરફ વળી છે ત્યારથી આ ઘટનાઓ ઓછી થઇ છે અને સરહદ પર નિર્માણ કામ વધ્યું છે. આના કારણે ફરી સેનાઓ વચ્ચે સંઘર્ષ વધ્યો છે.