(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ભારતના આકરા વિરોધ બાદ આખરે નેપાળે પોતાના નવા નકશાને લઇને પીછેહટ કરવી પડી છે. નેપાળ દ્વારા જારી કરાયેલા નકશાને બંધારણીય સંશોધનના રૂપમાં ઔપચારિક મંજૂરી આપવા માટે બોલાવાયેલી બેઠક સ્થગિત કરી દીધી છે. આ સાથે જ નવા નકશાને નેપાળે રોકી દીધો છે. જાણકારો કહે છે કે, આ નકશાને બંધારણીય રૂપ આપવા માટે બુધવારે સંસદની બેઠક થવાની હતી પરંતુ મધેસી નેતાઓ દ્વારા આ નકશાનો વિરોધ નોંધાવ્યા બાદ નેપાળમાં રાજકીય ચર્ચા શરૂ થઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, નેપાળ દ્વારા ભારતીય વિસ્તારને પોતાના નકશામાં દર્શાવવા અને એવી રાજકીય સ્થિતિને કેબીનેટમાં પસાર કરાવવા અંગે ભારતીય વિદેશ મંત્રાલયે ભારે વિરોધ દર્શાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, એકપક્ષીય કાર્યવાહી ઐતિહાસિક તથ્યો, પુરાવા પર આધારિત નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, નેપાળ દ્વારા નવા નકશા જારી કરવા, સરહદ સંબંધી મુદ્દાઓ અંગે વાતચીત દ્વારા ઉકેલ લાવવાની દ્વીપક્ષીય સમજથી વિપરિત છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, નકશા અંગે નેપાળે અયોગ્ય દાવાઓથી બચવું જોઇએ. નેપાળે ભારતના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરવું જોઇએ અને આ પગલું વાતચીતથી સરહદ વિવાદ ઉકેલવાની ભાવનાથી તદ્દન વિપરિત છે. આ પ્રકારની એકતરફી કાર્યવાહી ઐતિહાસિત તથ્યો અને પુરાવા પર આધારિત નથી.