ધરમશાળા, તા.૧૧
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલથી ત્રણ વન ડે મેચોની શ્રેણી શરૂ થઈ રહી છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં કંગાળ દેખાવ કર્યા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે વાપસી કરવા માટે ઈચ્છુક છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય ટીમનો સંપૂર્ણ સફાયો થયો હતો અને વન ડે શ્રેણીની તમામ મેચો ગુમાવી દીધી હતી. કોરોના વાયરસના વધતા ખતરા અને વરસાદની શંકા વચ્ચે આ શ્રેણીની શરૂઆત થઈ રહી છે. ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસી થઈ ચુકી છે. કેપ્ટન વિરાટ કોહલી પાસે વધારે સારા વિકલ્પ રહી શકે છે. ભારતીય ટીમ છેલ્લી શ્રેણીમાં ન્યૂઝીલેન્ડની સામે ખરાબ રીતે હારી ગઈ હતી. પંડ્યાએ છેલ્લી વન ડે મેચ માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડની સામે વર્લ્ડકપ સેમીફાઈનલમાં રમી હતી. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બેંગલોરમાં રમાઈ હતી. આફ્રિકા સામે તે છેલ્લી મેચમાં રમ્યો હતો. ટી-૨૦ મેચમાં તે છેલ્લી વખતે રમ્યો હતો. પંડ્યાએ હાલમાં જ ડીવાય પાટીલ કોર્પોરેટ કપમાં બોલ અને બેટ બંને સાથે જોરદાર દેખવ કરીને રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી હતી. કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સ્પષ્ટ કહી ચુક્યા છે કે આ વર્ષે યોજાનાર ટી-૨૦ વર્લ્ડકપને ધ્યાનમાં લઈને વન ડે મેચમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી નથી પરંતુ દક્ષિણ આફ્રિકા સામે અનુભવહીન ટીમની સામે શ્રેણી ગુમાવવાની સ્થિતિ નથી. ભારતીય ટીમ સતત પાંચ આંતરરાષ્ટ્રીય મેચો હારી ચુકી છે. જેમાં બે ટેસ્ટ મેચો સામેલ છે. સમીને આ શ્રેણીથી આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં એકમાત્ર સ્પીનર તરીકે રવિન્દ્ર જાડેજા જોઈ શકે છે. કુલદીપ યાદવને પણ ટીમમાં સામેલ કરવાની તક રહેશે. દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રણ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયના ક્લિનસ્વીપ બાદ અહીં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાની સામે પ્લેસીસ અને ડુસેનને આરામ અપાયો હતો પરંતુ હવે આ બંને ખેલાડીઓ તેની ટીમમાં વાપસી થઈ છે. કેપ્ટનશીપને અલવિદા કીધા બાદ ડુપ્લેસીસ સારા ફોર્મમાં ચાલી રહ્યો નથી. તે ભારતની સામે શ્રેણી સાથે ફોર્મમાં પરત ફરવા પ્રયાસ કરશે. મેચનું પ્રસારણ બપોરે ૧.૩૦ વાગ્યાથી કરવામાં આવશે. બંને ટીમો નીચે મુજબ છે.
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શોવ, રાહુલ, મનિષ પાંડે, ઐયર, પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજ, ભુવનેશ્વર, યુજવેન્દ્ર, જસપ્રિત, સુભમન ગિલ, નવદીપ સૈની, કુલદીપ યાદવ.
દક્ષિણ આફ્રિકા : ડીકોક, બાઉમા, ડુસેન, ડુપ્લેસીસ, વેરીને, ક્લાસેન, મલાન, મિલર, સ્મટ્‌સ, ફેલુકવાયો, લુંગીગીરી, સિપામલ, નોરજે, હેન્ડ્રીક્સ, જ્યોર્જ, કસવ મહરાજ.

વન ડે શ્રેણી કાર્યક્રમ

૧૨મી માર્ચના દિવસે ધરમશાલામાં પ્રથમ વન ડે
૧૫મી માર્ચના દિવસે લખનૌમાં બીજી વન ડે
૧૮મી માર્ચના દિવસે કોલકાતામાં ત્રીજી વન ડે