(એજન્સી) તા.૨૩
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરૂવારે આરોપ મૂક્યો કે, ભાજપની સંકુચિત માનસિકતા અને વિદ્વેષથી ભરેલી વિભાજનકારી નીતિઓને કારણે જ જ્યાં દેશમાં કોરોના સંકટ ઘેરાયું છે, ત્યાં અર્થતંત્ર પણ ધરાશાયી થઈ ચૂક્યું છે.
વિદેશ નીતિની નિષ્ફળતા અંગે અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ સરકારની વિદેશ નીતિઓ નિષ્ફળ જવાને કારણે જ દેશની સરહદો અસુરક્ષિત થઈ છે અને પાડોશી દેશો સાથે આપણા સંબંધ બગડવા લાગ્યા છે.
એક નિવેદનમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે, સરકારની નિષ્ફળ વિદેશ નીતિને કારણે નેપાળ જેવો દેશ પણ ભારત સામે સ્વર ઊંચા કરવા લાગ્યો છે. સ્થિતિ એટલી બગડી છે કે, નેપાળના વડાપ્રધાન નેપાળની સંસદમાં ભારતવિરોધી નિવેદન આપવા લાગ્યા છે.
નેપાળ ભારતીય ક્ષેત્રો પર પોતાનો અધિકાર નકશાની મદદથી જમાવી રહ્યો છે. નેપાળ ભારતનો વિશ્વાસપાત્ર અને સૌથી જૂનો સાથી રહ્યો છે. ભાજપની નીતિઓને કારણે તે આપણાંથી દૂર થઈ ચૂક્યો છે.
તેમણે કહ્યું કે, ચીન આપણો જૂનો કટ્ટર હરીફ રાષ્ટ્ર છે. નેપાળમાં તેના પ્રભાવને રોકવામાં ભાજપ સરકારની નિષ્ફળતા ભારત પર ભારે પડી રહી છે. તેમણે કહ્યું કે, કોરોના સંકટનો સામનો કરવામાં વડાપ્રધાન તાળીઓ-થાળીઓ વગાવડાવી અને દીપ પ્રગટાવીને કોઈ ચમત્કાર કરી શક્યા નથી.