વિશાખાપટ્ટનમ,તા. ૨૩
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાને લઈને ભારે ચર્ચા વચ્ચે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ વલણ સ્પષ્ટ કર્યું છે. આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમાય તે પહેલા વિરાટે કહ્યું હતું કે ટીમનો નિર્ણય એજ રહેશે જે બીસીસીઆઈ અને સરકાર દ્વારા કરવામાં આવશે. વિરાટે કહ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવનાર નિર્ણયની તેઓ સાથે રહેશે. પ્રેસ કોન્ફરન્સમાં પુલવામાના પ્રશ્ન પર વિરાટે કહ્યું હતું કે આતંકવાદી હુમલાની ઘટના ખૂબ જ દુઃખદ હતી. હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે તેની અને તેની ટીમની સંવેદના છે. પાકિસ્તાન સાથે સંબંધ રાખવાના મુદ્દે સરકાર અને બોર્ડ દ્વારા જે નિર્ણય લેવાશે તે રહેશે. પુલવામા હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશે મોહંમદના નામનો ઉલ્લેખ કર્યા વગર હાલમાં દેશભરમાં વ્યાપક ટીકાની પણ વાત કરી હતી. દેશભરમાં પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડવાની વાત થઈ રહી છે. બંને ટીમો વર્લ્ડકપમાં નિર્ધારીત કાર્યક્રમ મુજબ ૧૬મી જૂનના દિવસે મેચ રમનાર છે. આ મેચ રમાશે કે કેમ તે અંગે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવનાર છે. બીસીસીઆઈની બેઠકમાં નિર્ણય સરકાર પર છોડાયો હતો. વિરાટ કોહલીએ કહ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવનાર નિર્ણય સામે કોઈ વાંધો ઉઠાવવામાં આવશે નહીં. સરકાર દ્વારા કોઈપણ નિર્ણય થશે તે સર્વોપરી રહેશે. વિરાટ કોહલીથી પહેલા પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે નિવેદન કરીને કહ્યું હતું કે પુલવામા હુમલા બાદ ક્રિકેટને ટાર્ગેટ બનાવવાની બાબત નિરાશાજનક છે. સરફરાજે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની મેચો નિર્ધારીત કાર્યક્રમ મુજબ થવી જોઈએ કારણ કે લાખો લોકો આ મેચને જોવા ઈચ્છુક છે.