(એજન્સી) તા.પ
એસસી/એસટી એકટ વિશે આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ર એપ્રિલે ભારત બંધ દરમિયાન કેટલાક શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી જેમાં ૧૦ લોકોનાં મૃત્યુ થયા હતા. મોટાપાયા પર થયેલી તોડફોડ અને હિંસામાં બ્રાહ્મણો, સુવર્ણ અને મુસ્લિમો પણ સામેલ હતા.
ગાઝિયાબાદ પોલીસે સેંકડો લોકો વિરૂદ્ધ હિંસા આચરવાની એફઆઈઆર દાખલ કરી છે. આ એફઆઈઆરમાં નોંધાયેલા ત્રણ ડઝન નામોમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને મુસ્લિમો પણ સામેલ છે. ગાઝિયાબાદ પોલીસનું કહેવું છે કે, તેઓને હિંસા આચરતા સમયે ઘટનાસ્થળથી પકડવામાં આવ્યા છે. આ લોકો વિરૂદ્ધ હિંસા અને હત્યા જેવી સખત ધારાઓ લાગુ કરવામાં આવી છે. લોકોએ ફરિયાદ કરી હતી કે પોલીસ દ્વારા ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લોકોને તેમના ઘરોમાંથી ઉપાડી લીધા છે. પોલીસ હવે આ તપાસ કરી રહી છે કે, આ લોકો ક્યા સંગઠનથી જોડાયેલા હતા. શું આ લોકોને જાણીજોઈને હિંસા ફેલાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોના ભૂતકાળના પોલીસ રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એસસી/એસટી કાયદાને નબળો બનાવવાના વિરોધમાં સોમવારે ભારત બંધ દરમિયાન મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ વિસ્તારના જિલ્લાઓમાં ભડકેલી હિંસામાં મૃતકોની સંખ્યા આઠ થઈ ગઈ હતી. મંગળવારે ભિંડ જિલ્લામાં એક યુવકની લાશ મળી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે. ગ્વાલિયર પોલીસે પ૦ ઉપદ્રવીઓની ધરપકડ કરી હતી.