(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (એસસી-એસટી) એક્ટ પર સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણય સામેના વિરોધમાં આજે ભારત બંધ દરમ્યાન વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. ભારત બંધ દરમિયાન વ્યાપક હિંસાના લીધે રાજસ્થાનની તરફ જતી મોટી સંખ્યામાં બસો અટવાઈ હતી. દિલ્હી, ઉદેપુર, જોધપુર અને અન્ય જગ્યાઓ ઉપર જતી બસો અટવાઈ હતી. મધ્ય પ્રદેશ અને પંજાબ, ઉત્તર પ્રદેશમાં પણ જુદા જુદા વિસ્તારોમાં જતી બસો અટવાઈ પડી હતી. બંધ દરમિયાન હિંસા ઉપર ઉતરેલા લોકોએ બસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. ઘણી જગ્યા ઉપર લોકોને પથ્થરબાજીનો સામનો કરવો પડ્યો હતો. સાવચેતીના પગલારૂપે પરિવાહન સેવાઓ પંજાબ સહિત રાજ્યોમાં બંધ કરવાની ફરજ પડી હતી. જેથી જરૂરી કામ માટે નિર્ધારિત સ્થળ ઉપર પહોંચવા માટે ઈચ્છુ લોકો જુદી જુદી જગ્યા ઉપર અટવાઈ પડ્યા હતા અને તેમના કામ બગડ્યા હતા. બીજી બાજુ રાજ્ય સરકારોએ સાવચેતીના પગલા લીધા હતા. વધુ નુકસાન ન થાય તેવી ખાતરી કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે, દલિત સમુદાયના લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા. સૌથી વધારે અસર સાત રાજ્યોમાં જોવા મળી હતી. જેના લીધે આ રાજ્યોમાં બસ સેવા અને પરિવહનની અન્ય સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. લોકોમાં અંધાધુંધી ફેલાઈ ગઈ હતી. દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સૌથી માઠી અસર જોવા મળી હતી. વાહનોને જાહેર રસ્તા ઉપર રોકવામાં આવ્યા હતા અને ચક્કાજામની સ્થિતિ સર્જવામાં આવી હતી. બિહાર અને ઓરિસ્સામાં ટ્રેનોને રોકવામાં આવી હતી. બીજી બાજુ રેલ્વે ટ્રેક ઉપર વિરોધ કરનાર લોકો બેસી ગયા હતા જેથી ટ્રેન સેવાને પણ અસર થઈ હતી. રેલ્વે સ્ટેશનો ઉપર પણ લોકો અટવાઈ પડ્યા હતા. રેલ્વે તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા. પોલીસને આજે ભારત બંધ દરમિયાન ભારે જહેમત ઉઠાવી પડી હતી. જોકે તોફાની ટોળા હિંસામાં રહ્યા હતા અને પોલીસ કાર્યવાહીની અસર દેખાઈ ન હતી.