(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગુરૂવારે ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. બંનેએ સંયુક્તપણે ચિલહટી-હલ્દિબાડી રેલવે લિંકનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ દરમિયાન સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, બાંગ્લાદેશ અમારી નેબરહુડ ફર્સ્ટ નીતિનો એક મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. બીજીબાજુ શેખ હસીનાએ ભારતના સહયોગની પ્રશંસા કરી છે.
ભારત-બાંગ્લાદેશના વર્ચ્યુઅલ સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સંયુક્ત રીતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચિલાહટી-હલ્દીબાડી રેલ લિંકનું ઉદ્‌ઘાટન કર્યુ હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૫૫ વર્ષ બાદ કોઇ રેલ લાઇનનું ઉદ્‌ઘાટન થયું છે. ઉલ્લેખનીય છે કે, ચીલ્હટી-હલ્દિબાડી રેલવે લિંક ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે, તે ફરી શરૂ કરવામાં આવી છે. આ લિંક ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન બંધ કરવામાં આવી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, બાંગ્લાદેશ અમારી નેબરહુડ ફર્સ્ટ નીતિનો એક મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. બાંગ્લાદેશ સાથે સબંધ મજબૂત કરવા પહેલા દિવસથી મારી માટે પ્રાથમિકતા છે. બીજી બાજુ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, તમારી સરકારે જે રીતે મહામારીનો મુકાબલો કર્યો છે, તેના માટે મારે તમારી પ્રશંસા કરવી જોઈએ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ મારી માટે ગર્વની વાત છે કે, મને મહાત્મા ગાંધી અને બંગબંધુ શેખ મુજીબુર રહમાનની ડિજિટલ પ્રદર્શન જાહેર કરવાનું છે, તે અમારા યુવાઓને પ્રેરિત કરતા રહેશે. શેખ હસીનાએ કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશ બંને વિજય દિવસ મનાવી રહ્યા છે. શેખ હસીનાએ આ દરમિયાન ૧૯૭૧ના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. બંને દેશે આજે હાઈડ્રોકાર્બન, કૃષિ, કાપડ તથા સામુદાયિક વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં સાત કરાર પર હસ્તાક્ષર કર્યા.