(એજન્સી) વોશિંગ્ટન, તા. ૭
ભારતે સુરક્ષાકારણોને ધ્યાનમાં રાખીને ગયા અઠવાડિયે પોપ્યુલર ટિકટોક સહિતની ચીનની ૫૯ એપ્લીકેશન પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે અમેરિકા પણ હવે ટિકટોક સહિત ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાને લઇને ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યું છે. અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સોમવાર મોડી રાત્રે આ સંબંધિત જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે નિશ્ચિત રીતે ચીની એપ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યા છીએ. બીજી તરફ ઑસ્ટ્રેલિયામાં પણ ચીની એપ પર પ્રતિબંધ લગાવવાની માંગ વધી રહી છે. ટોચની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું છે કે, ટિકટોક સહિતની ચીનની સોશિયલ મીડિયા એપ્લીકેશનો પર પ્રતિબંધ મૂકવાની અમે ચોક્કસપણે વિચારણા કરી રહ્યા છીએ. જોકે, તેમણે એવું પણ કહ્યું કે, અમે હાલ આ માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જઇ રહ્યા નથી પરંતુ વહીવટીતંત્ર આવું કાંઇક વિચારી રહ્યું છે. આ પહેલા ૩૦મી જૂને ભારત સરકારે ટિકટોક સહિત ૫૯ ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકી દીધો હતો. ભારતમાં ટિકટોક બેન થતા ચીની કંપનીને લગભગ ૬ અબજ ડૉલરનું નુકસાન થયું છે. ત્યારબાદ ચાઇનીઝ કંપનીઓ તરફથી સરકારને અપીલ કરવામાં આવી રહી છે કે તે ભારતીય યૂઝર્સનો ડેટા ચાઇનીઝ સરકાર સાથે શેર નહોતી કરી રહી. ટિકટોકનાં સીઈઓ કેવિન માયરે ભારત સરકારને પત્ર લખીને કહ્યું કે ચાઇનીઝ સરકારે ક્યારેય પણ યૂઝર્સનાં ડેટાની માંગ નથી કરી. આશ્ચર્યની વાત એ છે કે ટિકટોકને ભલે ભારતમાં અત્યારે બેન કરી દેવામાં આવ્યું હોય, પરંતુ ચીનમાં આ પહેલાથી જ પ્રતિબંધિત છે. જો કે આ એપ જે કંપનીની છે તે ચાઇનીઝ છે. ભારત દ્વારા પ્રતિબંધ મૂકાયાના બીજા દિવસે ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ પરથી આ એપ્લીકેશનોને હટાવી દેવાઇ હતી.