ગિલ, પંત, રાહુલ, સિરાજની એન્ટ્રી થાય તેવી વકી

વિરાટ કોહલી પિતૃત્વ અવકાશ ઉપર સ્વદેશ પરત ફરશે તો ઈજાને કારણે શમી પણ સિરીઝમાંથી બહાર થઈ ગયો

નવી દિલ્હી, તા. ૨૦
ભારતીય ટીમે એડિલેડ ટેસ્ટ મેચમાં ૮ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર તો બધાને મંજૂર હતી, પરંતુ સૌથી શરમજનક વાત તે હતી કે ભારતીય ટીમ માત્ર ૩૬ રનના કુલ સ્કોર પર ઢેર થઈ ગઈ હતી. તેવામાં મેલબોર્નમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ચાર ફેરફાર સાથે ઉતરી શકે છે, કારણ કે કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટેસ્ટ સિરીઝમાંથી બહાર છે.
ભારતીય ટીમને અંજ્કિય રહાણેની આગેવાનીમાં ચાર ફેરફારની સાથે જોઈ શકાય છે, કારણ કે વિરાટ કોહલીના સ્થાને કેએલ રાહુલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા પર વિચાર થઈ રહ્યો છે, જ્યારે મોહમ્મદ શમીના સ્થાન પર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને તક મળવાની આશા છે. સિરાજ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરી શકે છે. વિરાટ કોહલી પિતૃત્વ અવકાશ પર હશે, જ્યારે મોહમ્મદ શમીના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. વિરાટ અને શમીના સ્થાન પર બે ફેરફાર ભારતીય ટીમે કરવા પડશે. સાથે રિપોર્ટસમાં સામે આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીમાં ફેરફાર થઈ શકે છે. ડે-નાઇટ ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં ફ્લોપ રહેલા પૃથ્વી શોએ બહાર બેસવું પડી શકે છે. તેના સ્થાને શુભમન ગિલને તક મળી શકે છે. તે મયંક અગ્રવાલની સાથે ઈનિંગનો પ્રારંભ કરશે. આ સિવાય વિકેટકીપર રિદ્ધિમાન સાહાને પણ બહાર કરી શકાય છે. વિકેટકીપર બેટ્‌સમેન અને મધ્યક્રમમાં બેટિંગ લાંબી કરવા ભારતીય ટીમ મેનેજમેન્ટ રિષભ પંતને ઉતારી શકે છે. હવે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં કેપ્ટન અંજ્કિય રહાણેના ખભા પર મોટી જવાબદારી હશે, કારણ કે તે માત્ર એક ફોર્મેટમાં રમે છે અને તેની પાસે મોટી ઈનિંગની આશા છે, જ્યારે ચેતેશ્વર પૂજારાએ પણ રન બનાવવા પડશે.

પ્લેઇંગ ઇલેવન
મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, કેએલ રાહુલ, અંજ્કિય રહાણે (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), હનુમા વિહારી, આર અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.