ચીન આ બે દેશ વિરુદ્ધ કરેલા દુઃસાહસ દ્વારા
ચકાસવા માંગે છે કે વિશ્વના દેશો તેની સામે
પડે છે કે નહીં : અમેરિકન વિદેશમંત્રી

(એજન્સી) તા.૩૧
ભૂતાનમાં પણ કેટલોક પ્રદેશ પોતાનો હોવાનો ચીન દ્વારા જે દાવો કરાયો હતો તે અને ભારતની સરહદોમાં પણ તાજેતરમાં તેના લશ્કર દ્વારા કરાયેલી ઘૂસણખોરીથી ચીનના ઇરાદા અને આશય ખુલ્લા પડી ગયા છે એમ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ગુરૂવારે કહ્યું હતું. પ્રમુખ શી જિન પિંગના નેતૃત્વ હેઠળ બેઇઝિંગ હજુ પણ ચકાસી રહ્યું છે કે, અન્ય કોઇ દેશને દબાવી શકાય તેમ છે કે નહીં એમ તેમણે ઉમેર્યું હતું.
ચીન અને ભારતનું સૈન્ય ગત ૫મેથી પૂર્વ લદ્દાખમાં આવેલી વાસ્તવિક અંકુશ રેખાના અનેક સ્થળોએ એકબીજા સાથે હિંસક અથડામણમાં ઉતર્યું હતું અને ગત માસે ગલવાન ખીણ પ્રદેશમાં બંને દેશો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં ભારતના ૨૦ સૈનિકો પણ શહિદ થઇ ગયા હતા ત્યારથી તે વિસ્તારમા સ્થિતિ એકદમ વણસી ગઇ છે. ચીને તાજેતરમાં ગ્લોબલ એન્વાર્મેન્ટલ ફેસિલિટિ કાઉન્સિલમાં પણ ભૂતાનના સાકટેંગ વન્યજીવન અભયારણ્ય ઉપર પોતાનો દાવો કરીને ભૂતાનને નાણાંકીય ભંડોળ આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. મારું એવું માનવું છે કે ચીન દ્વારા લેવાયેલા આ બે પગલાં તેમના દાયકાઓ જૂના ઇરાદાઓ જે બાબતનો સંકેત કરતાં હતા તેનું પ્રતિબિંબ પાડે છે, અને પ્રમુખ શી જીન પિંગના નેતૃત્વ બાદ તે ઇરાદા વધુ મજબૂત બન્યા છે એમ પોમ્પિયોએ અમેરિકન સંસદની વિદેશી બાબતોની સમિતિના સભ્યોને કહ્યું હતું.
તેઓ ચીનની ખાસિયતો સાથે વિશ્વમાં સમાજવાદ લાવવાની વાતો કરે છે, તેઓએ એવો પણ દાવો કર્યો છે કે ભૂતાનમાં પણ તેઓનો કેટલોક પ્રદેશ આવેલો છે, અ ચીનના સૈન્ય દ્વારા ભારતીય સરહદોમાં કરાયેલી ઘૂસણખોરી, આ તમામ બાબતો ચીનના ઇરાદાઓ શું છે તેનો સંકેત કરે છે. તે ઉપરાંત ચીન જોવા માંગે છે કે તેની દાદાગીરી અને તેની તાકાતનો સામનો કરવા વિશ્વના દેશો આગળ આવે છે કે નહીં, અર્થાત તે વિશ્વના ધૈર્યની કસોટી કરી રહ્યું છે એમ અમેરિકન વિદેશ મંત્રીએ ચીન ઉપર આરોપ મૂકતાં કહ્યું હતું.
અમેરિકન સંસદીય સમિતિમાં આપેલી જુબાનીમાં પોમ્પિયોએ કહ્યું હતું કે ભારતે તેના નાગરિકોની પ્રાઇવસી અને સલામતી સામે જોખમરૂપ એવા ચીનના ૧૦૬ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનની સામ્યવાદી પાર્ટીની હાજરી અને તેના પ્રભાવને ઓછો કરવા અમેરિકાના રાજદ્વારી પ્રયાસો પણ ચાલુ કરી દેવાયા છે એમ અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું હતું.