(એજન્સી) તા.૮
ભારત, ઇઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાતે (યુએઇ) ૧૯, ઓક્ટો. ૨૦૨૧ના રોજ મીડ ઇસ્ટ ક્વાડની પહેલ કરી છે. ઓગસ્ટ,૨૦૨૦માં ઇઝરાયેલ અને યુએઇ અને બહેરીન વચ્ચે જે અબ્રાહામ એકોર્ડ એટલે કે અબ્રાહામ સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં તેની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે આ પહેલ હાથ ધરવામાં આવી છે. અબ્રાહામ સમજૂતીને વિદેશ નીતિની સૌથી મોટી સિદ્ધિ ગણાવવામાં આવી હતી. અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સમજૂતી દરેક પ્રદેશમાં વ્યાપક શાંતિના પાયા તરીકે કામ કરશે પરંતુ આજે ૮ મહિના બાદ આ દાવો હાસ્યાસ્પદ બની ગયો છે. ઇઝરાયેલ અને પેલેેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષથી સ્પષ્ટ છે કે ન તો કોઇ શાંતિની સ્થાપના થઇ છે કે ન તો કોઇ મધ્યપૂર્વ જોવા મળે છે. પરંતુ ત્યારથી ઇઝરાયેલ અને યુએઇ સારા ભાગીદાર બની ગયાં છે અને બંનેને ભારત અને અમેરિકા સાથે સારા સંબંધો છે. અમેરિકાનો ભારત, ઇઝરાયેલ અને યુએઇ પર સારો એવો પ્રભાવ છે અને સમાન હિતોમાં સહભાગી છે જેના કારણે મિડ ઇસ્ટ ક્વાડની રચના થઇ છે. સહકારી માળખામાં ચારેય રાષ્ટ્રોએ તેમની ઉર્જાને સાથે કામે લગાડી છે જેમાં યુએઇ પાસે મૂડી છે, ઇઝરાયેલ અને અમેરિકા પાસે ટેકનોલોજીકલ સર્વોપરીતા છે અને ભારતમાં ઉત્પાદન અને અમલની ક્ષમતા છે. જો કે મીડ ઇસ્ટ ક્વાડની રચના પાછળનું મુખ્ય કારણ ચીન તરફથી પડકારોનો સામનો કરવાનું છે જે માત્ર લશ્કરી જ નહી ંપરંતુ રાજકીય અને આર્થિક પડકારો પણ છે. અમેરિકા હવે અનેક પ્રદેશોમાં ચીનના પડકારો પ્રતિસાદ આપવા સક્રિય રીતે સંકળાયેલ છે અને ઇન્ડો પેસિફિક ક્વાડ અને એયુકેયુએસ અને મીડ ઇસ્ટ ક્વાડ આ હકીકતને પ્રદર્શિત કરે છે. ઇન્ડો પેસિફીક ક્વાડ અને મીડ ઇસ્ટ ક્વાડ બતાવે છે કે અમેરિકા હવે ચીન સાથે મોટો સંઘર્ષ છેડવાની તૈયારી કરી રહ્યું છે અને તેથી ભાગીદારો શોધી રહ્યું છે. ભારત પણ ચીન પર અંકુશ મૂકવા માગે છે અને માટે તે ઇન્ડો પેસિફીક ક્વાડમાં અમેરિકા અને અન્યોનું ભાગીદાર છે. મીડ ઇસ્ટ ક્વાડ નવી દિલ્હીને ઇઝરાયેલ સાથે જોડે છે જ્યારે યુએઇ અને અમેરિકા પશ્ચિમ મોરચે એટલે કે અખાતી પ્રદેશમાં મહત્વપૂર્ણ ચાવીરુપ રાષ્ટ્રો છે. આમ ભારત મીડ ઇસ્ટ ક્વાડમાં એક નિયંત્રિતકર્તા બળ તરીકે ઊભરી આવશે. કારણ કે ભારત હિંદ મહાસાગરમાં તેની સરહદો સાથે મધ્યમાં આવેલું છે અને તેથી તે એક નિયમનકર્તા બળ તરીકે ઊભરી આવવાની શક્યતા છે.