(એજન્સી) તા.૨૭
જાણીતા પત્રકાર અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરીએ ભારતની વર્તમાન રાજકીય સ્થિતિને વિકેન્દ્રીકૃત કટોકટી તરીકે ગણાવી છે. અરુણ શૌરીએ જણાવ્યું હતું કે દેશમાં હાલ ભય અને લાચારીનો માહોલ છે. ટાટા સ્ટીલ કોલકાત્તા સાહિત્ય સંમેલનમાં અરુણ શૌરીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે આજે આપણે ત્યાં કેન્દ્રીકૃત કટોકટી નહીં પરંતુ એક પ્રકારની વિકેન્દ્રીકૃત કટોકટી છે. ભય અને નિઃસહાયતા જેવો માહોલ છે જે મેં કટોકટી દરમિયાન પણ જોયો ન હતો.
તેમણે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ સામે લડનારી જે તાકાત છે તે વિભાજિત છે. હું ઘણા સમયથી કહી રહ્યો છું કે આપણે એ વિનાશકારી ખતરાને ઓળખવાની જરુર છે જે નરેન્દ્ર મોદી અને અન્ય લોકો દેશ સામે ઊભો કરી રહ્યા છે. અરુણ શૌરીના જણાવ્યા મુજબ છેલ્લા ૩૦ કે ૪૦ વર્ષમાં જાહેર જીવનમાં સદ્‌ગૃહસ્થ લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે આ ખામી એક ગંભીર સમસ્યા છે. કટોકટી વિરુદ્ધ સંઘર્ષ કરનારા લોકો અને આજના લોકોમાં તમને સ્વયં અંતર જોવા મળશે. આજના ભારતની આ કેન્દ્રીય સમસ્યા છે. તેમણે ભારતમાં શાસકોની પસંદગીની પદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો. અરુણ શૌરીએ જણાવ્યું હતું કે એક અબજ લોકોના શાસકોને પસંદ કરવાની આ યોગ્ય રીત નથી.
જાહેર જીવનમાં સારી ગુણવત્તા ધરાવતા લોકોને લાવવાના નક્કર ઉપાય અંગે પૂછતા શૌરીએ જણાવ્યું હતું કે વિધાનગૃહમાં આવતા લોકો માટે યોગ્યતાના કડક ધોરણો નક્કી કરવા અંગે આપણે વિચારી શકીએ છીએ. શૌરીએ જણાવ્યું હતું કે જેે કોઇ સત્તાના ટોચના પદ પર હોય છે તેમના અંકુશમાં સીબીઆઇ હોય છે. સીબીઆઇ અને અન્ય એજન્સીઓ શાસકોના હથિયાર સમાન છે.
સીબીઆઇ એ (મનમોહનસિંહ સરકાર) સરકારનું શસ્ત્ર હતું જેમણે અરુણ શૌરી વિરુદ્ધ ત્રણ વખત તપાસ કરી હતી અને તેમને કંઇ હાથ લાગ્યું ન હતું. હવે ફેર માત્ર એટલો છે કે મોદીના ૨-૩ લોકોના નાના જૂથને કોઇ શરમ નથી. આ સાધનોનો ઉપયોગ કરવા માટે તેમની પાસે કોઇ મર્યાદા નથી. શૌરીએ મીડિયા પણ તંત્રનો ભાગ અને શાસકોનું શસ્ત્ર બની ગયું હોવાનો આક્ષેપ કર્યો હતો. અગાઉ મીડિયાના જાહેર હિતના મુદ્દાઓ હતા. આજે તેમનું ઝનૂન પૈસાનું થઇ ગયું છે. વર્લ્ડ બેંકના પૂર્વ અર્થશાસ્ત્રીએ બેંકિંગ સેક્ટરમાં બિનકાર્યક્ષમ અસ્ક્યામતો (એનપીએ)ની ટીકા કરી હતી.