મુંબઈ,તા.૨૧
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ મુંબઈમાં યોજાનારી ટી-૨૦ મેચને લઈ અત્યાર સુધીમાં પોલીસે સુરક્ષા કવચની કોઈ ખાતરી આપવામાં આવી નથી. આ સંજોગોમાં મેચ રમવાને લઈ અનિશ્ચિતતા જોવા મળે છે. ૬ઠ્ઠી ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવાની વરસી અને બાબા સાહેબ આંબેડકરની પૂર્ણતિથિ (મહાનિર્વાણ દિવસ) છે. બાબા સાહેબના લાખો અનુયાયી આ સમયે શહેરમાં યોજાનાર કાર્યક્રમમાં સામેલ થશે. જેને પગલે મુંબઈ પોલીસ હાઈએલર્ટ પર રહેશે. વિન્ડિઝ ટીમ ભારત પ્રવાસમાં ૩ વન-ડે અને એટલી જ ટી-૨૦ રમશે. શરૂઆત વાનખેડે સ્ટેડિયમમાં ટી-૨૦થી થશે.
ન્યુઝ એજન્સીએ આ અંગે મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારી સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું છે કે- કાયદો-વ્યવસ્થા માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે. અમે આ મેચ માટે સિક્યોરિટી કવર નહીં આપીએ. મુંબઈ ક્રિકેટ એસોસિએશન સૂત્રોએ કહ્યું હતું કે અંતિમ નિર્ણય પોલીસના સિનિયર અધિકારી સાથે વાતચીત કર્યા બાદ જ નિર્ણય કરવામાં આવશે. એમસીએ પાસે એક વિકલ્પ ખાનગી સુરક્ષા કંપનીઓની સેવા લેવાનો પણ છે. ગત વર્ષ પણ સુરક્ષા કારણોથી વાનખેડે સ્ટેડિયમની મેચ બ્રેબોર્ન સ્ટેડિયમ પર શિફ્ટ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય મેચને લઈ આશરે એક હજાર પોલીસ કર્મચારીઓની જરૂર રહે છે.