મેલબોર્ન, તા.૬
વુમન્સ ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા રવિવાર ૮ માર્ચે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની મુખ્ય બોલર મેગન શુટે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, મને ભારત સામે રમવું પસંદ નથી. તેમની બેટિંગ હંમેશા ભારે પડે છે. સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા ગ્રુપ પોઈન્ટ્‌સના આધારે ફાઇનલમાં પહોંચી. ઇંગ્લેન્ડ સામે તેની મેચ વરસાદના લીધે રદ થઇ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ લુઈસ સ્ટર્ન નિયમના આધારે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.
સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ૧૩ ઓવરમાં ૯૮ રન (ડકવર્થ લુઈસથી રિવાઇઝડ ટાર્ગેટ)નો લક્ષ્ય આપ્યો હતો. પ્રોટિયાસ ૫ રને મેચ હાર્યું હતું. ઓસ્ટ્રેલિયાની જીતમાં મેગને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ૧૭ રનમાં ૨ વિકેટ ઝડપી હતી.
વર્લ્ડ કપના પહેલા મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા એકબીજા સામે ટકરાયા હતા. ભારતની ઓપનર શેફાલી વર્માએ મેગનની પહેલી ઓવરમાં ચાર ફોર મારી હતી. આઈસીસીની ઓફિશિયલ વેબસાઈટ સાથેની વાતચીતમાં મેગને કહ્યું કે, “મને ભારત સામે રમવું પસંદ નથી. તેમની બેટિંગ બહુ આક્રમક હોય છે.”