(એજન્સી) તા.૧૪
ભારત હવે કોવિડ-૧૯નું નવું વૈશ્વિક એપિસેન્ટર બનતું જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ સંકટ સામે જે દક્ષતાથી કામ લીધું તેના કારણે ભારત વધું ભયાનક સ્થિતિમાંથી ઉગરી ગયું એવા ભાજપના પ્રધાનોના ઉપરાછાપરી દાવાઓની હવા નીકળી ગઇ છે. નિષ્ણાતોનું માનવું છે કે કોવિડ-૧૯ની તો હજુ ભારતમાં શરુઆત થઇ છે. કોવિડ-૧૯નું સંક્રમણ હવે ભારતના દૂરના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી પગપેસારો કરી રહ્યું છે કે જ્યાં દેશના ૧.૩ અબજ લોકોમાંથી મોટા ભાગના લોકો વસે છે. આમ ભારત હવે વિશ્વનું નવું વાયરસ એપિસેન્ટર ઝડપથી બની રહ્યું છે અને દૈનિક કેસોમાં સૌથી રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે અને ભારતે બ્રાઝિલને પણ પાછળ રાખી દીધું છે. નિષ્ણાતોની આગાહી છે કે હવે થોડા સપ્તાહમાં સૌથી વધુ ખરાબ રીતે કોરોના અસરગ્રસ્ત એવા અમેરિકાને પણ ભારત પાછળ રાખી દેશે. માર્ચના અંતમાં લાગુ કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પરિણામે ભારતમાં એપ્રિલ-જૂનના ક્વાર્ટરમા જીડીપીમાં ૨૩.૯ ટકાનો જંગી વિક્રમી ઘટાડો ૪૦ વર્ષ બાદ જોવા મળ્યો છે. પરંતુ તેના કારણે કોરોના વાયરસમાં કોઇ ઘટાડો થયો નથી. વહેલી લાગુ કરવામાં આવેલ લોકડાઉને લોકોની જાન તો બચાવી નથી પરંતુ જહાનને પણ બરબાદ કર્યુ છે. અર્થતંત્ર બંધ કરી દેવાથી દેશને કોઇ ફાયદો થયો નથી. ભારત જેવા ઓછી આવક ધરાવતાં દેશો માટે નોવેલ કોરોના વાયરસ એક અનોખી સમસ્યા ઊભી કરી રહી છે. જ્યાં એક સાથે લાખો નાગરિકો વસે છે એવા ગીચ સ્લમ્સ વિસ્તારો વાયરસના સંક્રમણ માટે આદર્શ સ્થિતિ પુરી પાડે છે. ઓછું પરીક્ષણ, જનજાગૃતિનો અભાવ અને નબળું આરોગ્ય તંત્ર ખાસ કરીને ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં વાયરસને પ્રસરતો રોકવામાં મુશ્કેલી ઊભી કરે છે.