(એજન્સી) તા.૯
શ્રીલંકાએ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર તમામના અગ્નિસંસ્કાર કરવાનો જ આગ્રહ રાખ્યો છે. કોરોનાનો ભોગ બનેલા મુસ્લિમોની ઇસ્લામિક પરંપરા પ્રમાણે દફનાવવા દેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવેલ અપીલો તેમજ પોતાના નિષ્ણાતોની ભલામણો ફગાવી દઇને શ્રીલંકાએ એવો અડગ આગ્રહ રાખ્યો છે કે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા તમામના અગ્નિસંસ્કાર જ કરવામાં આવે. સરકારે કોરોના સંક્રમણ વધુ ફેલાશે એવી ચિંતાને કારણે એપ્રિલ મહિનામાં કોરોનાના મૃતકોનો દફનવિધિ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે નિષ્ણાતોનું કહેવું છે કે શ્રીલંકાની સરકારની આ ચર્ચા પાયાવિહીન છે. પરંતુ શ્રીલંકામાં વગદાર બૌદ્ધ સાધુઓનું કહેવું છે કે કોરોનાના મૃતકોની દફનવિધિ કરવાથી ભૂૂગર્ભીય જળ ભંડાર સંક્રમિત થઇ શકે છે અને પાણી દ્વારા આ વાયરસ વધુ ફેલાઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંઘે જો કે જણાવ્યું છે કે આવું કોઇ જોખમ નથી અને કોરોનાના મૃતકો માટે દફનવિધિ અને અગ્નિસંસ્કાર બંનેની ભલામણ કરી છે પરંતુ શ્રીલંકાએ કોરોનાના મૃતકોનો દફનવિધિ કરવા માટે વિશ્વ આરોગ્ય સંઘની ભલામણ પણ ફગાવી દીધી છે. આરોગ્ય પ્રધાન પવિત્ર વાનિયા રાચીએ જણાવ્યું હતું કે આ નિર્ણય સામાજિક, ધાર્મિક, રાજકીય કે અન્ય કોઇ વ્યક્તિગત કારણોસર બદલવામાં આવશે નહીં. સરકાર દ્વારા ગઠીત તજજ્ઞ સમિતિએ પણ એવી ભલામણ કરી હતી કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અગ્નિસંસ્કાર કરવા એ સૌથી સુરક્ષિત બાબત છે પરંતુ કડક શરતો અને નિયમો હેઠળ દફનવિધિ પણ કરી શકાય, પરંતુ શ્રીલંકાની સરકારે આ સમિતિની ભલામણ પણ ફગાવી દીધી છે. પરંપરાગત રીતે મુસ્લિમો મૃતકોની મક્કા તરફની દિશામાં દફનવિધિ કરતાં હોય છે પરંતુ શ્રીલંકાના બહુમતી બૌદ્ધો વર્તમાન સરકારના વલણને પ્રચંડ સમર્થન આપી રહ્યાં છે અને મુસ્લિમોના પણ હિંદુઓની જેમ અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. ગયા મહિને સત્તાવાળાઓએ કોવિડ-૧૯નો ભોગ બનેલા ૧૯ જેટલા મુસ્લિમ મૃતકોના પણ અગ્નિસંસ્કાર કરવા માટે ફરજ પાડતો આદેશ કર્યો હતો.