અમદાવાદ, તા.૨
આજકાલ સોશિયલ મીડિયામાં પોતાની સેલ્ફી મૂકવાના ચક્કરમાં લોકો એવા એવા કરતબો કરતા હોય છે કે, ઘણીવાર મુશ્કેલીમાં મૂકાઈ જાય. આપણે ઘણી વખત સાંભળ્યું કે જોયું હશે કે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવા અનેક કેસો આપણી આસપાસ બન્યા હશે તો પણ તેમાંથી લોકો કંઇ શીખતા નથી. આજે પણ અમદાવાદ રિવરફ્રન્ટ પાસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદના સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા એક યુવતી નદીમાં પડી ગઈ હતી. જો કે, સમયસર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી યુવતીને બચાવી લીધી હતી.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ચાલતા બોટિંગ સ્ટેશન પાસે આજે બપોરે ૭થી ૮ યુવક યુવતીઓનું ગ્રૂપ વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ વોકવે પર ફરતા હતા. ત્યારે આ ગ્રુપને એવું તે શૂરાતન ચઢ્યું કે, તેઓ રિવરફ્રન્ટના કિનારે બનાવેલી પાળી પર ચડી સેલ્ફી લેતા હતા તે દરમિયાન ધરા રામી નામની એક યુવતી નદીમાં પડી ગઈ હતી.
આ ઘટનાથી હબકાઈ ગયેલું ગ્રુપે બુમાબુમ કરતા નજીકમાં બોટીંગ અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને યુવતીને બચાવી લીધી હતી. હાલમાં યુવતીને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હતી.
ભારે પડી સેલ્ફી : રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જતાં યુવતી નદીમાં પડી

Recent Comments