કોલકત્તા, તા. ૨૧
કોલકત્તાના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલથી ભારત અને બાંગ્લદેશ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ઈડન ગાર્ડન હવે ઐતિહાસિક પળોના સાક્ષી તરીકે બનવા માટે તૈયાર છે. જ્યાં બંને ટીમો પોતાના ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત ડેનાઇટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે. દરમિયાન બંગાળ ક્રિકેટ એસોસિએશનના ક્યુરેટર સુજાન મુખર્જીએ કહ્યુ હતુ કે તે ગુલાબી બોલ સાથે આ પિચ પર ટેસ્ટ મેચને લઇને ઉત્સુક છે. બંને ટીમોને ફાયદો થાય તેવી વિકેટ બનાવવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પણ મેચ દરમિયાન હાજર રહે તેવી શક્યતા છે. ક્રિકેટના યાદગાર પળોને ચિત્રના રૂપમાં રજૂ કરવામાં આવનાર છે. દિવાળ પર આને મુકવામાં આવનાર છે. આ ટેસ્ટને યાદગાર બનાવી દેવા માટે છેલ્લા કેટલાક દિવસથી પ્રયાસ અને તૈયારી ચાલી રહી હતી. ડેનાઇટ ટેસ્ટ મેચને રંગારંગ બનાવી દેવા માટે તમામ તૈયારી છે. મેચને જોવા માટે કેટલીક રાજકીય હસ્તીઓ પણ પહોંચી શકે છે. કેટલાક પૂર્વ દિગ્ગજ ખેલાડીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યો છે. પિન્ક બોલને લઇને ક્રિકેટ પંડિતો પણ જુદા જુદા અભિપ્રાય આપી રહ્યા છે. આ ભારતની ૫૪૦મી ટેસ્ટ મેચ રહેશે. બીજી બાજુ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.