(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨
નિસર્ગ વાવાઝોડાની અસરને લઈને આજે આણંદ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ઝડપી પવન ફુંકાવા સાથે ધુળની ડમરીઓ ઉડી હતી અને બોરસદ આંકલાવ પંથકમાં ધોધમાર વરસાદ તુટી પડયો હતો,ધોધમાર વરસાદનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી સાથે સાથે નિચાણવાળા વિસ્તારમાં વરસાદનાં પાણી ભરાઈ ગયા હતા,બોરસદનાં રબારી ચકલા વિસ્તારમાં પાણી ભરાતા બાળકો મોઝમાં આવી ગયા હતા અને વરસાદમાં ન્હાવાની મઝા માણી હતી.જયારે આંકલાવ પંથકમાં વિવિધ ગામોમાં ધોધમાર વરસાદ તુટી પડયો હતો.
ખંભાતનાં દરિયા કિનારે નિસર્ગ વાવાઝોડુ ટકરાવાની સંભાવનાને લઈને જિલ્લા કલેકટર આર જી.ગોહીલ દ્વારા ખંભાત તાલુકામાં દરિયા કિનારે આવેલા ૧૫ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે,જેમાં પાંદડ,તરકપુર,મીતલી, વૈણજ,જુની આખોલ, નવાગામ બાર, રાળજ, રાજપુરા, ખંભાત, વડગામ, કલમસર, બાજીપુરા તેમજ બોરસદ તાલુકાનાં કંકાપુરા અને બદલપુર ગામોને એલર્ટ કરી આ ગામોમાં સિનીયર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
તેમજ દરિયો ખેડતા માછીમારોને દરિયો ખેડવા નહી જવા દેવા તેમજ જે માછીમારો હોડી લઈને દરિયામાં ગયા હોય તેવા માછીમારોનો સંપર્ક કરી તેઓને દરિયામાંથી તાત્કાલિક પરત બોલાવવા માટે સુચનાઓ આપવામાં આવી છે.તેમજ વન વિભાગ અને વિજવિભાગ તેમજ નગરપાલિકા તંત્રને વાવાઝોડા દરમિયાન રાહત બચાવ તેમજ વીજ પોલ અને વૃક્ષોની કાળજી લેવા સુચનાઓ આપવામાં આવી છે.
તેમજ વાવાઝોડા કે ભારે વરસાદમાં બચાવ કામગીરી માટે રાળજ ગામે એન.ડી.આર.એફની ટીમ તૈનાત કરવામાં આવી છે.