અંકલેશ્વર, તા.૧૩
અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે માલી ખડકીમાં ગત મોડીરાત્રે બે માળનું જર્જરિત બંધ મકાન ધરાશાયી થતાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે, મકાન બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા વરસાદના કારણે શહેરની માલી ખડકીમાં મુકેશ ગાંધીનું બે માળનું જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં આસપાસના રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી. મકાન માલિક મુકેશ ગાંધી અન્ય વિસ્તારમાં રહેતા હોવાથી ઘણા મહિનાઓથી મકાન બંધ હાલતમાં હોવાના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આસપાસના રહીશો દ્વારા આ અંગેની જાણ મુકેશ ગાંધીને કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને મકાનનો કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.