કર્ણાટકના બેંગ્લુરૂમાં ભડકેલી હિંસા વચ્ચે દેશની કોમી એકતાનો અનોખો દાખલો સામે આવ્યો છે. પયગમ્બર મુહમ્મદ(સ.અ.વ.) અંગે વાંધાજનક ફેસબૂક પોસ્ટ કરાયા બાદ શહેરમાં કોમી હિંસા ભડકી ગઇ હતી જેમાં ત્રણ લોકોનાં પોલીસ ફાયરિંગમાં મોત થયા છે. બીજી તરફ કેટલાક મુસ્લિમ યુવાનોએ દેશમાં હિંદુ-મુસ્લિમ ભાઇચારાની નવી મિસાલ આપી છે. મંગળવારની રાતે એક હિંસક ટોળાએ ડીજે હલ્લી વિસ્તારમાં આવેલા એક હનુમાન મંદિરને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો ત્યારે જ ત્યાં હાજર કેટલાક મુસ્લિમ યુવાનોએ માનવ સાંકળ રચીને મંદિરને બચાવ્યું હતું. આ હનુમાન મંદિર શામપુરા મેઇન રોડ નજીક આવેલું છે અને હિંસા ભડક્યા બાદ મંદિરને બચાવનારા યુવાનો શેરીઓમાં એકઠા થયા હતા. ઘટનાના સાક્ષી ખાનગી કંપનીમાં કામ કરતા મોહમ્મદ ખલીલે કહ્યું, મોટરસાયકલ પર ચાર યુવાનો મંદિર નજીક આવ્યા હતા. તેમના વર્તન પરથી અમને તેઓ પથ્થરમારો કરે તેવી શંકા લાગી. ત્યારે અમે તેમને રોક્યા હતા. તેઓ ફરી મંદિર પર હુમલો કરશે. તેવી દહેશત હોવાથી અમે માનવ સાંકળ રચીને મંદિરને બચાવવાનો નિર્ધાર કર્યો હતો. અમે મંદિરની સુરક્ષામાં રાત્રે ૧૧.૩૦થી ૧ વાગ્યા સુધી રોકાયા હતા.