(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
કોંગ્રેસની આગેવાનીમાં સાત વિપક્ષી દળોએ એક અઠવાડિયાથી થઇ રહેલા કયાસો બાદ શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ સુપરત કરી હતી. એક પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, તમામ પક્ષો ભારે હૃદયે આ નોટિસ આપવા મજબૂર થયા છે કારણ કે, જસ્ટિસ મિશ્રાએ ન્યાયપાલિકાને સ્વતંત્ર રીતે ચાલવા દેવાની સ્થિતિમાં નથી રાખી.કોંગ્રેસે દાવો કર્યો હતો કે, તેમની પાસે ૬૦ રાજ્યસભાના સાંસદોના હસ્તાક્ષર છે. આવી નોટિસ આપવા માટે ઓછામાં ઓછા ૫૦ સાંસદોના હસ્તાક્ષર હોવા જરૂરી છે. ન્યાયમૂર્તિ વિરૂદ્ધ હસ્તાક્ષર કરનારાઓમાં કોંગ્રેસ, એનસીપી, સીપીએમ, સીપીઆઇ, સમાજવાદી પાર્ટી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને બહુજન સમાજ પાર્ટીના સાંસદોનો સમાવેશ થાય છે. આ પક્ષોના નેતાઓએ મહાભિયોગ નોટિસ પહેલા બેઠક કરી હતી. સંસદમાં અલગથી બેઠક યોજાઇ તેમાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ, કપલ સિબ્બલ અને રણદીપ સૂરજેવાલા ઉપરાંત સીપીઆઇના ડી રાજા તથા એનસીપીના વંદના ચવાણ હાજર હતા. આઝાદે આ દરમિયાન જણાવ્યું હતું કે, આ નોટિસ આપવા માટે ગેરવર્તણૂંકના પાંચ કારણો છે. અમે આ નોટિસમાં ૭૧ લોકોના હસ્તાક્ષર લીધા છે. આમાં સાત નિવૃત્ત થયેલા સભ્યોનો પણ સમાવેશ થાય છે. આ લોકોને ગણવામાં ન આવે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, અમે આશા રાખીએ કે આવો દિવસ ક્યારેય ન આવે. કોંગ્રેસના નિવેદનમાં જણાવાયું હતું કે, આવી સ્થિતિના ઉકેલ માટે બંધારણમાં ફક્ત એક આધાર છે.જો આ સંસ્થાને બચાવવાનો કોઇ માર્ગ ન મળે તો મહાભિયોગ પ્રસ્તાવ લાવવો પડે, અમે રાજ્યસભાના સભ્યો ભારે હૃદયે આ કામ કરી રહ્યા છીએ. મહાભિયોગની નોટિસ ત્યારે લાવવામાં આવી જ્યારે એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટરની તપાસ કરનારા જજના રહસ્યમય મોત સામે સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજીઓ સુનાવણઈ નહીં કરી તેને ફગાવી દીધી હતી અને તપાસ બંધ કરી હતી. સુપ્રીમે આ આદેશ ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતવાળી ખંડપીઠની આગેવાનીમાં આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જજ લોયા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરના કેસની સુનાવણી કરી રહ્યા હતા જેમાં ભાજપના પ્રમુખ અમિત શાહની સંડોવણીની શંકા હતી જજ લોયાનું અવસાન ડિસેમ્બર ૨૦૧૪મા નાગપુરમા થયું હતું જ્યાં તેઓ પોતાના મિત્ર જજની પુત્રીના લગ્નમાં ગયા હતા. તેમના નિધનના થોડા સમય બાદ અમિત શાહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ અને તમિલનાડુના વિપક્ષ ડીએમકેએ મુખ્ય ન્યાયમૂર્તિ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને બહારથી સમર્થન આપ્યું છે અને તેના લાંબાગાળાના ભાગ નથી બન્યા. જોકે, આ મુદ્દે કોંગ્રેસ સ્પષ્ટ રીતે બે છાવણીમાં ફેરવાઇ ગઇ છે. એક છાવણીનું કહેવું છે કે, જાન્યુઆરીમાં પત્રકાર પરિષદ કરી ચાર વરિષ્ઠ જજોએ મુખ્ય ન્યાયમૂર્તિ વિરૂદ્ધ બળવો કરીને આરોપ મુક્યો હતો કે તેઓ માસ્ટર ઓફ રોસ્ટર છે અને મહત્વના કેસોની ફાળવણી યોગ્ય જજોને કરતા નથી. જ્યારે બીજી છાવણીનુંકહેવું છે કે, આવા પગલાં ભરતાકોંગ્રેસને ન્યાયપાલિકા વિરોધી ચિત્રણ કરવામાં આવશે.
આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશે વકીલોની ભાવના સમજવી જોઇતી હતી. પણ ત્રણ મહિનામાં કાંઇ પણ બદલાયું નહીં. ન્યાયપાલિકા વિના લોકતંત્ર નથી પણ ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતરામાં છે. સિબ્બલે કહ્યું કે, જજોની પત્રકાર પરિષદ બાદ પણ કાંઇ બદલાયું નહીં. તેમણે કહ્યું કે, ખરેખર એવું હોવું જોઇએ કે મુખ્ય ન્યાયાધીશ નિષ્પક્ષતા માટે જાણીતા હોવા જોઇએ.
CJI દીપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ અંગે જાણવા જેવુ
સુપ્રીમ કોર્ટે જજ લોયાના રહસ્યમય મૃત્યુની સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજીઓ ફગાવ્યાના બીજા દિવસે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપી છે. ગુલામ નબી આઝાદે કહ્યું છે કે, આ નોટિસ મુખ્ય ન્યાયાધીશને હટાવવા માટે અપાઇ છે અને તેને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને સંપીદેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિરૂદ્ધ ખાનગી સુનાવણી કરવાનો રાજકારણીઓને બંધારણમાં અધિકાર અપાયો છે. બંધારણના આર્ટિકલ ૧૨૪ની કલમ ૪માં સુપ્રીમ કોર્ટના જજ વિરૂદ્ધ આ કાર્યવાહી કરી શકાય છે. સુપ્રીમ કોર્ટના કોઇપણ જજને સંસદના બંને ગૃહોમાં તેમની વિરૂદ્ધ એક તૃતિયાંશ બહુમતી અથવા મતદાન દ્વારા બહુમતી પસાર કર્યા બાદ રાષ્ટ્રપતિના આદેશ વિના હટાવી શકાય નહીં. આ કાયદો ૧૯૬૮માં લવાયો હતો જેમાં લોકસભામાં જજને હટાવવા માટે ઓછામાં ઓછા ૧૦૦ સભ્યોના હસ્તાક્ષર અને રાજ્યસભામાં ઓછામાં ઓછા ૫૦ સભ્યોના હસ્તાક્ષર હોવા જોઇએ. ભારતીય સંસદીય પ્રક્રીયા અનુસાર ઉપરાષ્ટ્રપતિ જ રાજ્યસભાના ચેરમેન હોય છે જેમની પાસે વિપક્ષ શુક્રવારે ગયો હતો. નોંધનીય છે કે, આ પ્રક્રીયા ત્યારે જ શક્ય બની શકે જ્યારે સંસદનું સત્ર ચાલતું ન હોય અને તેના માટે રાજ્યસભાના ઓછામાં ઓછા ૫૦ સાંસદોના હસ્તાક્ષર જોઇએ. એકવાર આ નોટિસ અપાય ત્યારબાદ ગૃહના અધ્યક્ષ તેનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. જો તેને સ્વીકારવામાં આવે તો ત્રણ સભ્યોની કમિટી આરોપોની તપાસ માટે નીમવામાં આવે છે. જો તપાસમાં નક્કી થઇ જાય કે મુખ્ય ન્યાયમૂર્તિને હટાવવા માટે પૂરતા કારણો છે તો ગૃહમાં સૌ પહેલા મહાભિયોગ પ્રસ્તાવ લાવી તેની ચર્ચા કરી મતદાન કરવામાં આવે. જો બંને ગૃહોમાં જજને હટાવવાનો પ્રસ્તાવ પસાર થઇ જાય તો જજને હટાવવા માટે રાષ્ટ્રપતિનું ધ્યાન દોરવામં આવે જેમની પાસે આ અંગે આદેશ પસાર કરવાનો અધિકાર રહેલો છે.
કોંગ્રેસ, તેના મિત્રો મહાભિયોગનો રાજકીય હથિયાર
તરીકે ઉપયોગ કરી રહ્યા છે : અરૂણ જેટલી
ચીફ જસ્ટિસ વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રહારો તીવ્ર થયા છે. આ સમગ્ર મામલા પર ભાજપે કોંગ્રેસ પર બંધારણનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે નાણામંત્રી અરુણ જેટલીએ વિપક્ષ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેઓ મહાભિયોગને હથિયાર બનાવી જજને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. નાણામંત્રી અરુણ જેટલીએ ફેસબુક પર એક ટિ્વટ કરીને જજો પર મહાભિયોગને લઇને આક્ષેપ કર્યા હતા. જેટલીએ મહાભિયોગને બદલાની અરજી તરીકે ગણાવતા કહ્યું હતું કે, આ સમગ્ર મામલાને હળવાશથી લેવો તે ખતરનાક હોઈ શકે છે. આ સમગ્ર પ્રકરણ ન્યાયતંત્રની આઝાદી માટે ખતરા સમાન છે. જેટલીએ જજ લોયાના મૃત્યુને લઇને ગઇકાલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પોસ્ટ કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, ૧૧૪ પાનાના આ ચુકાદાને વાંચો, જેને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે લખ્યું છે. નાણામંત્રીએ સોહરાબુદ્દીનના એન્કાઉન્ટરથી લઇને અમિત શાહ અને જજ લોયાના મોતની વિસ્તારપૂર્વક માહિતી આપી છે. પોતાના પોસ્ટમાં નાણામંત્રી અરુણ જેટલીએ જજ લોયાના મોતને લઇને કારવાં મેગેઝિનમા પ્રકાશિત લેખને બનાવટી ન્યૂઝ તરીકે ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ સમગ્ર મામલો સકાર અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની પ્રતિષ્ઠાને ખરડવા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે ચીફ જસ્ટિસના મહાભિયોગના મુદ્દાને ગંભીર મામલા તરીકે ગણાવતા પોસ્ટ કર્યું હતું કે, આ મુદ્દાને હળવાશથી લેવું ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. તમામ રાજનીતિક દળોએ આની ગંભીરતાને સમજવી જોઇએ.
મુખ્ય ન્યાયાધીશના મહાભિયોગની ચર્ચાઓ વચ્ચે વ્યાકુળ સુપ્રીમે એટોર્ની જનરલને પૂછ્યું, શું મીડિયા પર અંકુશ લગાવી શકાય ?
સુપ્રીમ કોર્ટના મુખ્યન ન્યાયાધીશ દીપક મિશ્રાના મહાભિયોગના સમાચાર જાહેર થતા મુંઝવણમાં મુકાયેલી સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલની સલાહ માગતા પુછ્યું છે કે, મીડીયા દ્વારા આવા સમાચારો પર અંકુશ મુકી શકાય કે કેમ. આ અંગેની સુનાવણી કરતા જસ્ટિસ એકે સિકરી અને અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું હતું કે, અમે આ પગલાંથી વ્યાકૂળ છીએ. તેણે એજીની સલાહ માગતા પુછ્યું છે કે, શું આવી ચર્ચાઓ પર અંકુશ મુકી શકાય કે કેમ. કોર્ટેજોકે, મીડિયાના ચર્ચા અંગે આદેશ આપવાનો ઇન્કાર કર્યો હતો તેમાં એમ પણ કહેવાયું કે, એટોર્ની જનરલની સુનાવણી વિના આમ થવું ન થઇ શકે. જજ લોયાના રહસ્યમય મૃત્યુ કેસમાં યોગ્ય તપાસ વિના કેસને બંધ કરવાના સુપ્રીમના આદેશ વિરૂદ્ધ કોંગ્રેસ સહિતના વિપક્ષે શુક્રવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ નોટિસ આપી હતી જેને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને સુપરત કરાઇ હતી.
Recent Comments