અમદાવાદ, તા.ર
આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના મોહમાં આવીને રાજ્યમાં ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવાના કથિત ગુના હેઠળ પકડાયેલા ભાવનગરના નઇમ રામોડિયાએ ગુજરાત હાઇકોર્ટમાંથી પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી હતી. કોર્ટે અરજીને ફગાવી દેવાનું વલણ ધારણ કરતા તેણે આ પગલું લીધું હતું. ગત ફેબ્રુઆરી મહિનામાં નઇમ અને તેના ભાઇ વસીમની ધરપકડ ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ) દ્વારા કરાયેલ હતી. ત્યારબાદની તપાસ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને સોંપાઇ હતી. નઇમના વકીલ તરફથી રજૂઆત કરાઇ હતી કે, નઈમ અને તેનો ભાઈ વસીમ બંને ઈન્ટરનેટ પર આઈએસઆઈએસના વિશે માહિતી જોતા અને વાંચતા હતા. આ પ્રવૃત્તિ કરવા પર તો કોઈ પ્રતિબંધ નથી. તેમની પર આરોપ છે કે, તે આઈએસઆઈએસની વિચારધારાનું સોશિયલ મીડિયામાં સમર્થન કરતા હતા. આ બંનેને, આઈએસઆઈએસ દ્વારા ફસાવીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. તેમની પર ચોટીલાના મંદિર પર હુમલો કરવાના આયોજનનો આરોપ છે પરંતુ એવી કોઇ પ્રવૃત્તિને અંજામ આપ્યો નથી. જો કે એઆઇએના વકીલ તરફથી રજૂઆત કરાઇ હતી કે, આરોપી સામે ગંભીર ગુનો છે અને જન્મટીપ સુધીની સજા થઇ શકે તેમ હોવાથી જામીન આપી શકાય નહીં.